Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ભાગેડુ વિજય માલ્યા સામે અનાદર કેસ:સુપ્રીમકોર્ટે કહ્યું-દોષિતનું પ્રત્યાર્પણ થાય કે ન થાય, સજા પર ચુકાદાની વધુ રાહ જોઈશું નહીં

જસ્ટિસ યુ યુ લલિતની આગેવાની હેઠળની 3 જજોની બેન્ચે કહ્યું કે દોષિત પોતાના વકીલ મારફતે પોતાનો કેસ રજૂ કરી શકે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની સજા પર 18 જાન્યુઆરીએ વિચારણા કરશે. માલ્યાને 2017માં સુપ્રીમ કોર્ટ દ્વારા અનાદરનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટે આજે કહ્યું હતું કે દોષિતનું પ્રત્યાર્પણ થાય કે ન થાય, સજા પર ચુકાદાની વધુ રાહ જોવાની રહેશે નહીં. જસ્ટિસ યુ યુ લલિતની આગેવાની હેઠળની 3 જજોની બેન્ચે કહ્યું છે કે દોષિત પોતાના વકીલ મારફતે પોતાનો કેસ રજૂ કરી શકે છે. કોર્ટે વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાને આ મામલે મદદ કરવા માટે એમિકસ ક્યુરી તરીકે નિયુક્ત કર્યા છે.

સુપ્રીમ કોર્ટે 9 મે 2017ના રોજ બેંકોમાંથી હજારો કરોડ રૂપિયાની ઉચાપત કરીને ફરાર માલ્યાને દોષિત ઠેરવ્યો હતો. ડિએગો ડીલના 40 મિલિયન  ડોલર તેના બાળકોના વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરવા અને મિલકતની ચોક્કસ વિગતો આપવામાં નિષ્ફળ રહેવા બદલ તેને અનાદર માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેની સમીક્ષા અરજી પણ ફગાવી દેવામાં આવી છે.

અગાઉ 5 ઓક્ટોબર 2020ના રોજ આ મામલો કોર્ટમાં ઉઠાવવામાં આવ્યો હતો. તે દિવસે, ન્યાયાધીશોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે વિજય માલ્યા યુકેની કોર્ટમાં પ્રત્યાર્પણની કાનૂની લડાઈ હારી ગયા પછી પણ તે અત્યારસુધી ત્યાં કેવી રીતે છે.

ત્યારબાદ કેન્દ્રના વકીલે કોર્ટને કહ્યું કે ભારત સરકાર દ્વારા પ્રત્યાર્પણની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હવે યુકેમાં ગુપ્ત કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આમાં ભારત સરકારને પક્ષકાર બનાવવામાં આવ્યો નથી. તેથી, તે કેટલો સમય લેશે તે જાણી શકાયું નથી. કેન્દ્રના વકીલે આજે પણ આ જ વાત કહી.

(12:00 am IST)