Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

આંતરરાષ્ટ્રીય મુસાફરોના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવા રાજ્યોને સુચના

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન પર કેદ્ર સરકાર ગંભીર : ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ માટેની એડવાઈઝરી બહાર પાડી, તમામ દિશા નિર્દેશ ૩૧ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે

નવી દિલ્હી, તા.૩૦ : કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય ખુબ ગંભીર છે. ઓમિક્રોન ના જોખમને જોતા ગૃહ મંત્રાલયે રાજ્યોને એડવાઈઝરી મોકલી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં એમ પણ કહ્યું છે કે તમામ રાજ્યો સુનિશ્ચિત કરે કે જે આંતરરાષ્ટ્રીય મુસાફરો છે તેમના કોન્ટેક્ટ ટ્રેસિંગ ચુસ્ત રીતે થાય. આ અગાઉ ૨૫ નવેમ્બરના રોજ સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઈડલાઈન્સ જારી કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશ પર જ ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને એડવાઈઝરી બહાર પાડી છે. ગૃહ મંત્રાલયના દિશા નિર્દેશ ૩૧ ડિેસેમ્બર સુધી પ્રભાવી રહેશે. ગૃહ મંત્રાલયની એડવાઈઝરીમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે કોવિડની રોકથામ માટે ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન કરવામાં આવે. કર્ણાટકના બેંગ્લુરુમાં બે લોકો હાલમાં જ દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા છે. બંનેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી એકના સેમ્પલમાં ડેલ્ટા વેરિએન્ટની પુષ્ટિ થઈ છે. જ્યારે બીજા સેમ્પલમાં ડેલ્ટાથી અલગ વેરિએન્ટ છે. જે ઓમિક્રોન હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

        આ મામલો સામે આવ્યા બાદ કર્ણાટક સરકાર સતત કેન્દ્ર સરકાર અને આઈસીએમઆર ના સંપર્કમાં છે. આઈસીએમઆર ની પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. કોરોનાના આ નવા વેરિએન્ટની સૌ પ્રથમ ઓળખ દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ૧૭ દેશોમાં તે મળી આવ્યો છે. અનેક દેશોએ દક્ષિણ આફ્રિકાની ઉડાણો પર પ્રતિબંધ લગાવ્યા છે. આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ મળ્યો નથી. આપણે સતર્કતા વર્તવાની જરૂર છે. ડબલ્યુએચઓનું કહેવું છે કે ઓમિક્રોન સહિત સાર્સ-કોવ-૨ના ફેલાઈ રહેલા તમામ વેરિએન્ટ્સને સારી રીતે સમજવા માટે સર્વિલાન્સ અને સિક્વેન્સિંગના પ્રયત્નો વધારવા પડશે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પ્રભાવિત વિસ્તારોની તપાસ અને પ્રયોગશાળાઓનું મૂલ્યાંકન કરવું જોઈએ જેથી કરીને ઓમિક્રોનના વ્યવહારને સમજી શકાય. જો વેરિએન્ટ કોઈ કમ્યુનિટીમાં ફેલાઈ રહ્યો છે તો તેના માટે કમ્યુનિટી ટેસ્ટિંગ થવું જોઈએ. પીસીઆર  ટેસ્ટમાં એસ જેને ટાર્ગેટ ફેઈલર (એસજીટીએફ) ઓમિક્રોનનો સંકેત આપી શકે છે. જેનાથી નવા વેરિએન્ટને સરળતાથી ડિટેક્ટ કરી શકાય છે.

         કોવિડ-૧૯ રસીકરણ કવરેજને જેટલું શક્ય હોય તેટલું તેજ કરવું જોઈએ. ખાસ કરીને તે વસ્તી પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે જે હજુ સુધી અનવેક્સીનેટેડ છે કે પૂરી રીતે વેક્સીનેટેડ નથી. આંતરરાષ્ટ્રીય મુસાફરીઓ દરમિયાન જોખમને નજરઅંદાજ ન કરો.  આ ઉપરાંત કેટલીક ખાસ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. માસ્ક પહેરો અને ફિઝિકલ ડિસ્ટન્સ મેન્ટેઈન કરો. ઘર કે ઓફિસની અંદર પૂરતું વેન્ટિલેશન હોવું જરૂરી છે. ભીડવાળા વિસ્તારોથી બચવું. હેન્ડ વોશ કરીને પણ ઓમિક્રોન વેરિએન્ટના ટ્રાન્સમિશનને રોકી શકાય છે. વાયરસના ટ્રાન્સમિશનની ચેન તોડવા માટે હાલમાં જ સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ જરૂરી છે. એ સુનિશ્ચિત કરો કે સંભવિત લહેરનો જવાબ આપવા માટે આપણા હેલ્થ કેર સિસ્ટમ પાસે પૂરતા સંસાધન ઉપલબ્ધ હોય. આ ઉપરાંત હેલ્થ ઓથોરિટિઝે સમયાંતરે ઓમિક્રોન કે ફેલાઈ રહેલા વેરિએન્ટ્સ સંલગ્ન સાચી જાણકારી લોકો સુધી પહોંચાડવી જોઈએ.

(12:00 am IST)