Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

બિહાર વિધાનસભા સંકુલમાં દારૂની સંખ્યાબંધ બોટલ મળી

બિહારમાં દારૂબંધીના ધજાગરા ઊડી ગયા : તેજસ્વી યાદવે નીતિશ કુમારનું રાજીનામું માગ્યું

પટના, તા.૩૦ : બિહારમાં પણ ગુજરાતની જેમ દારુ બંધી તો લાગુ થઈ છે પણ ગુજરાતની જેમ જ ત્યાં પણ ચોરી છુપીથી ભરપૂર દારુનુ વેચાણ થઈ રહ્યુ છે. જેને લઈને નીતિશ કુમારની સરકાર પર વિપક્ષી પાર્ટીઓ નિશાન સાધી રહી છે.દરમિયાન બિહાર વિધાનસભાના સંકુલમાં જ દારુની સંખ્યાબંધ ખાલી બોટલો મળી આવી છે.જેના પર રાજકારણ શરુ થઈ ગયુ છે. આરજેડીના ધારાભ્ય અને નેતા તેજસ્વી યાદવે કહ્યુ છે કે, દારુની ખાલી બોટલો વિધાનસભામાંથી મળતી હોય તો નીતિશ કુમારે મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપી દેવુ જોઈએ.

         તેમણે ખાલી બોટલોનો વિડિયો પણ ટ્વિટર પર શેર કરીને કટાક્ષ કર્યો છે કે, અદભૂત ઘટના બની છે, બિહાર વિધાનસભા સંકુલમાંથી દારુની બોટલો મળી આવી છે. સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો હતો કે, સીએમની ચેમ્બરથી થોડે જ દુર જોઈએ તે બ્રાન્ડની દારુની બોટલો મળે છે.જો વિધાનસભા સંકુલમાં આટલી સુરક્ષા વચ્ચે પણ દારુની ખાલી બોટલો મળતી હોય તો બાકીના બિહારમાં શું થતુ હશે તેની કલ્પના તમે જાતે જ કરી શકો છો.મુખ્યમંત્રીએ રાજીનામુ આપવુ જોઈએ.આ બહુ ગંભીર ઘટના છે.રાજ્યમાં દારુબંધી છતા દારુ મળી રહ્યો છે.

(12:00 am IST)