Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ઇ-વે બિલના નિયમોમાં ફેરફાર થવા છતાં હજુ વેપારીઓમાં મુંઝવણની સ્થિતિ

૫૦ કિલોમીટરમાં ઇ-વે બિલ નહીં બનાવતા અનેક વેપારીઓને થતો દંડ

મુંબઇ,તા. ૧: ઇ-વે બિલના નિયમોમાં કરવામાં આવેલ ફેરફારને હજુ પણ અનેક વેપારીઓ સમજી શકયા નહીં હોવાના કારણે જીએસટીના અધિકારીઓની નોટિસ કે વસુલાતનો ભોગ બનવું પડી રહ્યુ છે. કારણ કે હજુ પણ અનેક વેપારીઓ ૫૦ કિલોમીટરની મર્યાદામાં ઇ-વે બિલ બનાવ્યા વિના જ માલ મોકલતા હોવાના કારણે અધિકારીઓ દ્વારા તેઓનો ટેમ્પો કે માલ પકડીને મસમોટી દંડની વસુલાત કરાતી હોવાના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે.

૫૦ હજારથી ઓછી કિંમતનો માલ હોય અથવા તો ૫૦ કિલોમીટરની અંદરના વિસ્તારમાં માલ મોકલવાનો હોય તો ઇ-વે બિલ બનાવવાનું રહેશે નહીં, તેવી વેપારીઓની સમજને કારણે છેલ્લા કેટલાક સમયથી રોજ વેપારીઓની ગાડી જીએસટીના અધિકારીઓ પકડીને દંડ વસૂલ કરતા હોય છે. તેમજ વેપારીઓ પણ સરકારી કચેરીઓના ધક્કા ખાતા પાર આવતો નથી. આ માટેનું કારણ એવું છે કે વેપારીઓ હજુ પણ ઇ-વે બિલ બનાવવા માટે જાહેર કરવામાં આવેલા નિયમો જ હજુ પૂરતા સમજી શકી નહીં હોવાના લીધે આવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

બિલ અને ઇ-વે બિલ નહીં હોય તો માલ અને ટેમ્પો જપ્ત

જીએસટી ચોરી કરવા માટે અનેક વેપારીઓ બિલ અને ઇ-વે બિલ બનાવતા નહીં હોવાના કારણે જીએસટી અધિકારીઓ કલમ ૧૩૦ પ્રમાણે કાર્યવાહી કરતા હોય છે એટલે કે માલ અને તેને લઇ જતુ વાહન ટેમ્પો જપ્ત કરી લેતા હોય છે. જ્યારે બિલ બનાવવામાં આવ્યુ હોય પરંતુ ઇ-વે બિલ બનાવ્યુ નહીં હોય તેવા કિસ્સામાં કલમ ૧૨૯ પ્રમાણે એટલે કે માલ જપ્ત કરવામાં આવતો હોય છે. કલમ ૧૨૯માં ટેકસની રકમ અને બમણો દંડ વસુલ કરવામાં આવતો હોય છે. જ્યારે કલમ ૧૩૦માં બિલની રકમ હોય તેના કરતા ૧૫૪ ટકા ટેકસ અને દંડ વસુલ કરવામાં આવતો હોય છે

(10:03 am IST)