Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

આજથી માચીસથી લઇને ગેસ સિલિન્ડર અને ટીવી જોવાનું થયુ મોંઘુ

આજથી તમારે માચીસની પેટી ખરીદવા માટે ૧ રૂપિયાને બદલે ૨ રૂપિયા ખર્ચવા પડશે

નવી દિલ્હી,તા. ૧: આજથી નવો મહિનો શરૂ થયો છે અને ૧લી ડિસેમ્બરથી સામાન્ય જનતા પર મોંઘવારીની અસર વધુ વધશે. આજથી ૬ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેમાં તમારે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે. માચીસના બોકસ, ગેસ સિલિન્ડર, ટીવી જોવું અને ફોન પર વાત કરવી પણ મોંઘી થઈ જશે. ચાલો તમને જણાવીએ કે આજથી કયા મોટા ફેરફારો થઈ રહ્યા છે-

મોંઘો થયો ગેસ સિલિન્ડર - ૧ ડિસેમ્બરથી તમારે ગેસ સિલિન્ડર માટે વધુ પૈસા ખર્ચવા પડશે. સરકારી તેલ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે આ વધારો કોમર્શિયલ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે. ઘરેલું ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૨૧૦૧ રૂપિયા થઈ ગયો છે.

માચીસ થઈ મોંઘી - ૧૪ વર્ષ બાદ માચીસના દરમાં વધારો થયો છે. આજથી તમારે માચીસની પેટી ખરીદવા માટે ૧ રૂપિયાને બદલે ૨ રૂપિયા ખર્ચવા પડશે. અગાઉ વર્ષ ૨૦૦૭માં માચીસની કિંમત ૫૦ પૈસાથી વધારીને ૧ રૂપિયા કરવામાં આવી હતી.

રિલાયન્સ જિયોએ વધાર્યા ટેરિફ રેટ - આ સિવાય રિલાયન્સ યુઝરને પણ મોટો ઝટકો લાગ્યો છે. આજથી એટલે કે ૧ ડિસેમ્બરથી રિલાયન્સ જિયોએ પણ પોતાનું રિચાર્જ મોંઘું કરી દીધું છે. Jio એ ૨૪ દિવસથી ૩૬૫ દિવસની વેલિડિટીવાળા ઘણા પ્લાનની કિંમતો વધારી દીધી છે. આ સિવાય ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ પણ નવેમ્બરના અંતમાં ટેરિફ રેટમાં વધારો કર્યો છે. રિલાયન્સ જિયોના પ્રીપેડ ગ્રાહકોએ ૮ થી ૨૦ ટકા વધુ પૈસા ચૂકવવા પડશે.

SBI ક્રેડિટ કાર્ડ પર ખર્ચવા પડશે વધુ પૈસા - જો તમે ૧લી ડિસેમ્બર એટલે કે આજથી SBI ક્રેડિટ કાર્ડથી EMI દ્વારા ખરીદી કરો છો, તો તમારે વધુ પૈસા ખર્ચવા પડશે. ૧ ડિસેમ્બર, ૨૦૨૧ થી, તમારે તમામ EMI ખરીદીઓ પર ૯૯ રૂપિયા વધુ ખર્ચવા પડશે. તમને જણાવી દઈએ કે જો તમે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી રિટેલ આઉટલેટ્સ અને ઈ-કોમર્સ વેબસાઈટ પરથી EMI પર ખરીદી કરો છો, તો તમારે પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે.

PNBએ વ્યાજ દરમાં દ્યટાડો કર્યો - PNBની બચત ખાતા ધારકોને પણ મોટો ઝટકો લાગ્યો છે. બેંકે બચત ખાતા પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે વાર્ષિક વ્યાજ દર ૨.૯૦ ટકાથી ઘટાડીને ૨.૮૦ ટકા કર્યો છે. તમને જણાવી દઈએ કે બેંકના નવા દરો ૧લી ડિસેમ્બર એટલે કે આજથી લાગુ થઈ ગયા છે.

(10:05 am IST)