Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ઇન્વેસ્ટરોની તગડી રકમ ડુબી ગઇ

અનિલ અંબાણી ઉપર RBIએ પ્રહાર કરતા રોકાણકારોનો કચ્ચરઘાણ નીકળી ગયો

નવી દિલ્હી તા. ૧ : દેવાની જાળમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહેલી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલને મોટો ઝટકો લાગ્યો છે. આ આંચકો સેન્ટ્રલ રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવ્યો છે. જેના કારણે કંપનીનો સ્ટોક ખરીદનારા રોકાણકારોને નુકસાન થયું છે. આ સિવાય અનિલ અંબાણીની અન્ય લિસ્ટેડ કંપનીઓના શેરમાં પણ ઘટાડો થયો છે.

ગયા સપ્તાહેભારતીય રિઝર્વ બેંક, અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ કેપિટલ લિ. (REL Cap) એ બોર્ડ ઓફ ડિરેકટર્સનું વિસર્જન કર્યું. ચુકવણીમાં ડિફોલ્ટ અને કંપનીની કામગીરીના સ્તરે ગંભીર ક્ષતિઓને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. આરબીઆઈ ટૂંક સમયમાં જ દેવાથી ડૂબી ગયેલી નોન-બેંકિંગ નાણાકીય કંપની (એનબીએફસી) સામે નાદારીની કાર્યવાહી શરૂ કરશે.

આરબીઆઈના આ નિર્ણય બાદ રિલાયન્સ કેપિટલના શેર ખરાબ રીતે તૂટ્યા હતા. રિલાયન્સ કેપિટલનો શેર BSE ઇન્ડેકસ પર ૫ ટકા ઘટ્યો હતો અને લોઅર સર્કિટમાં પ્રવેશ્યો હતો. હાલમાં કંપનીના શેરની કિંમત ૧૮.૧૦ રૂપિયા છે. તે જ સમયે, જો આપણે બજાર મૂડીની વાત કરીએ તો તે ૪૪૮ કરોડ રૂપિયા છે. આ સિવાય અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની અન્ય કંપનીઓ - રિલાયન્સ પાવર, રિલાયન્સ નેવલ, રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેર પણ લાલ નિશાન પર બંધ થયા છે. તેમાંથી ૩ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

એલપી અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલે સપ્ટેમ્બરમાં વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને જાણ કરી હતી કે કંપની પર રૂ. ૪૦,૦૦૦ કરોડનું સંકલિત દેવું છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં રૂ. ૬,૦૦૧ કરોડની આવક સામે રૂ. ૧,૧૫૬ કરોડની એકીકૃત ખોટ નોંધાવી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન, કંપનીને રૂ. ૯,૨૮૭ કરોડની ખોટ થઈ હતી જયારે કુલ આવક રૂ. ૧૯,૩૦૮ કરોડ હતી.

આરબીઆઈએ સલાહકાર સમિતિની પસંદગી કરી છે અનિલ અંબાણીની પ્રમોટેડ રિલાયન્સ કેપિટલના બોર્ડ ઓફ ડિરેકટર્સને હટાવ્યાના એક દિવસ પછી, રિઝર્વ બેન્કે ત્રણ સભ્યોની સલાહકાર સમિતિની પસંદગી કરી છે. રિઝર્વ બેંકે બેંક ઓફ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ એકિઝકયુટિવ ડિરેકટર નાગેશ્વર રાવ વાયને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુકત કર્યા છે.

સલાહકાર સમિતિના સભ્યોમાં ભારતીય સ્ટેટ બેંકના ભૂતપૂર્વ ડેપ્યુટી મેનેજિંગ ડિરેકટર (ડીએમડી) સંજીવ નૌટિયાલ, એકિસસ બેંકના ભૂતપૂર્વ ડીએમડી શ્રીનિવાસન વરદરાજન અને ટાટા કેપિટલ લિ.ના પૂર્વ પ્રબંધ નિદેશક તેમજ મુખ્ય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ પી કડલે સામેલ છે.

(10:27 am IST)