Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મહામારી બાદ પેટર્ન બદલાઇ : લોકોની પસંદગી સસ્તી - નોનબ્રાન્ડેડ પ્રોડકટ

આસમાને પહોંચેલી મોંઘવારીમાં ઘરનું બજેટ બચાવવા લોકોએ કર્યુ સમાધાન : નાના પેકેટને અગ્રતા : જો કે વોશિંગ પાઉડર, નુડલ્સ, ડિટર્જન્ટ બાર વગેરેમાં બ્રાન્ડનો દબદબો કાયમ : હેલ્થમાં પણ બ્રાન્ડેડ પ્રોડકટને પ્રાધાન્ય

નવી દિલ્હી તા. ૧ : આભ આંબતી મોંઘવારી વચ્ચે ઘરનું બજેટ બગડતુ બચાવવા માટે ગ્રાહકો સસ્તા અને નોન બ્રાન્ડેડ ઉત્પાદનો પસંદ કરી રહ્યા છે. માર્કેટ રિસર્ચ કંપની કંતારના રિપોર્ટમાંથી આ માહિતી મળી છે.

રિપોર્ટ અનુસાર ગ્રાહકોએ સપ્ટેમ્બર ત્રિમાસીક દરમિયાન સાબુ, દૂધના ઉત્પાદનો, ખાદ્યતેલ અને ઘરેલુ સફાઇમાં ઉપયોગમાં લેવાતા ઉત્પાદનો સહિત લગભગ અડધા ડઝન સામાન નોન બ્રાન્ડેડ કંપનીઓના અથવા એવી બ્રાન્ડના ખરીદ્યા છે જેના ઉત્પાદનનો વિકલ્પ બજારમાં ઉપલબ્ધ ના હોય. એટલું જ નહી ગ્રાહકો મોટા પેકની જગ્યાએ ૫ થી ૧૦ રૂપિયાવાળા નાના પેક ખરીદે છે. ખરીદીમાં ફેરફારનું આ વલણ શહેરોની સાથે ગામડાઓમાં પણ જોવા મળ્યું છે.

ગયા વર્ષે કોરોના મહામારી પછીથી ગ્રાહકોની ખરીદી પેટર્નમાં મોટો ફેરફાર આવ્યો છે. ગ્રાહકો પોતાની જરૂરીયાતની ચીજો બ્રાન્ડેડ કંપનીઓના બદલે નોન બ્રાન્ડેડ અને સ્થાનિક કંપનીઓની ખરીદી રહ્યા છે. બજાર નિષ્ણાંતોનું કહેવું છે કે, ઉત્પાદનોની ઉંચી કિંમતોના કારણે વધતો ઘર ખર્ચ આનુ મુખ્ય કારણ છે. ગ્રાહક પોતાના ખર્ચમાં કાપ મુકવા બ્રાન્ડેડની જગ્યાએ નોન બ્રાન્ડેડ અને સસ્તા ઉત્પાદનોને પસંદ કરી રહ્યા છે.

કોરોના મહામારી પછી મોટાભાગની કંપનીઓએ મુદ્રાસ્ક્રિુતીના દબાણમાં પોતાના ઉત્પાદનોના ભાવમાં ભારે વધારો કર્યો છે. ઘણી કંપનીઓએ ગયા એક વર્ષમાં બે અથવા તેનાથી વધારે વાર ભાવો વધાર્યા છે. રિપોર્ટ અનુસાર, કોરોના મહામારી પછી જરૂરીયાતના સસ્તા સામાનની માંગ વધી છે પણ કેટલાક સેગમેન્ટ એવા પણ છે જેમાં બ્રાન્ડેડ કંપનીઓનો દબદબો ચાલુ રહ્યો છે. ગ્રાહકો બ્રાન્ડેડ કંપનીના જ ડીટર્જન્ટ બાર, વોશીંગ પાઉડર, નૂડલ્સ અને ચા ખરીદી રહ્યા છે. આ સાથે જ આરોગ્ય સાથે સંકળાયેલા ઉત્પાદનોમાં પણ બ્રાન્ડેડ કંપનીઓ પરનો વિશ્વાસ જળવાયેલો છે. હા, ખાદ્યતેલ, ચોખા, દાળ વગેરે માટે ગ્રાહકો જરૂર સ્થાનિક ઉત્પાદનો અથવા નોન બ્રાન્ડેડ કંપનીઓ તરફ વળ્યા છે.

ખાદ્ય ઉત્પાદનોના ભાવ આભને આંબી રહ્યા છે અને કંઝયુમર ઉત્પાદનો બનાવતી કંપનીઓ નફો બચાવવા માટે માત્રા પર કાતર મુકી રહી છે. કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વસ્તુઓના વધેલા ભાવોના કારણે વધી જતા કંપનીઓ પેકેટમાં ઓછો માલ આપીને પોતાનો નફો જાળવી રહી છે.

(11:23 am IST)