Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

સાઉથ આફ્રિકામાં જહોનિસબર્ગ એરપોર્ટથી વેંડા તરફ જતી કારનું ટાયર પિટ્સબર્ગ પાસે ફાટતા અકસ્માત સર્જાતા ભરૂચના 3 નાગરિકોના મોત નિપજ્યા

અકસ્માતમાં પતિ પત્ની અને પુત્રનું મોત નિપજ્યુઃ પુત્રીનો આબાદ બચાવ થયો

ભરૂચ: સાઉથ આફ્રિકામાં માર્ગ અકસ્માતમાં ભરૂચના 3 નાગરિકોના મોત નિપજ્યા છે. જહોનિસબર્ગ એરપોર્ટથી વેંડા તરફ જતી કારનું ટાયર પિટ્સબર્ગ પાસે ફાટતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૂળ ભરૂચના 3 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનાથી ભરૂચમાં વસતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકોમાં એક જ પરિવારના ત્રણ સભ્યો છે. ભરૂચનો પરિવાર વર્ષો પહેલા સાઉથ આફ્રિકામાં જઈને વસ્યો હતો. ભરૂચના કોલવાણ ગામનો પરિવાર 10 વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયો હતો. પતિ-પત્ની અને એક દીકરી તથા દીકરો કારમાં સવાર થઈને નીકળ્યો હતો. કાર જ્હોનિસબર્ગ એરપોર્ટથી વેંડા તરફ જઈ રહી હતી. ત્યારે પિટ્સબર્ગ પાસે ગાડીને અકસ્માત નડ્યો હતો. કારનું ટાયર ફાટી ગયુ હતું. જેમાં પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું.

અકસ્માતમાં પતિ પત્ની અને પુત્રનું મોત નિપજ્યુ છે. તેમજ પુત્રીનો આબાદ બચાવ થયો છે. આ બનાવની જાણ થતા જ ભરૂચમાં રહેતો તેમનો પરિવાર શોકમગ્ન થયો છે. આ મૃતકોના ભારતમાં રહેતા પરિવારજનોને જાણ કરવામાં આવી છે. હાલ આ મૃતકોને ભારત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ દુખદ સમાચાર સાંભળતા જ ભારતમાં રહેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

(4:23 pm IST)