Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

એમિક્રોન વેરિયન્ટ દુનિયાના 23 દેશમાં ફેલાયો: હજુ વધુ દેશોમાં ફેલાવવાની WHOની ચેતવણી

ભારતમાં વેરિયન્ટના ભયને લઈને નવી ગાઈડલાઈન જાહેર: કેન્દ્ર સરકારે 'એટ રિસ્ક'ની યાદીમાં બ્રિટન સહિત તમામ યુરોપિયન દેશ, ઇઝરાયેલ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપુર અને હોંગકોંગને સામેલ કર્યા

નવી દિલ્હી : કોરોનાના નવા વેરિઅંટને લઈને વિશ્વભરમાં ચિંતાની લાગણી ફેલાઈ છે અત્યાર સુધીમાં વિશ્વના 23 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ જોવા મળ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે કહ્યું છે કે અત્યાર સુધીમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના 6માંથી પાંચ પ્રદેશોમાંથી 23 દેશોમાંથી ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે. WHOના વડા ટેડ્રોસ અધાનમને પણ આશંકા છે કે આ પ્રકાર વધુ દેશોમાં ફેલાશે.

એમિક્રોન વેરિયન્ટ દુનિયાના 23 દેશમાં ફેલાય ગયો છે. ત્યારે ભારતમાં પણ આ વેરિયન્ટના ભયને લઈને સોમવારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે આજે એટલે કે 1લી ડિસેમ્બરથી લાગુ થઈ છે. કેન્દ્ર સરકારે બુધવારે નવા નિયમો લાગુ થયા બાદ 'એટ રિસ્ક' દેશોમાંથી આવતા 6 પેસેન્જર્સ સંક્રમિત મળી આવ્યાં છે. જો કે આ લોકો કોરોનાના નવા વેરિયન્ટ એમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તે રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ પડશે.

દેશના વિભિન્ન એરપોર્ટ પર અત્યાર સુધીમાં 3,476 લોકોના સ્ક્રીનિંગ કરવામાં આવ્યા છે. આ તમામ 'એટ રિસ્ક' દેશોમાંથી આવતા 11 ફ્લાઈટ્સના પેસેન્જર્સ હતા. જેમાં દિલ્હી એરપોર્ટ પર 4 પેસેન્જર્સનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે. આ ચારેય બ્રિટન અને નેધરલેન્ડથી પરત ફર્યા છે. જ્યારે અન્ય બે લોકોની જાણકારી સામે આવી નથી. આ તમામને દિલ્હીની LNJP હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જ્યાં ડેડિકેટેડ વોર્ડમાં તેઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે. અહીં જ તેમની સારવાર પણ ચાલી રહી છે.

કેન્દ્ર સરકારે 'એટ રિસ્ક'ની યાદીમાં જે દેશોને સામેલ કર્યા છે, તેમાં બ્રિટન સહિત તમામ યુરોપિયન દેશ, ઇઝરાયેલ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપુર અને હોંગકોંગ છે.

(11:59 pm IST)