Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની રિયાધ એરપોર્ટને મુખ્ય ઉડ્ડયન હબમાં ફેરવવાની જાહેરાત

એરપોર્ટ 57 ચોરસ કિલોમીટર એટલે કે 5700 હેક્ટર વિસ્તારમાં બનાવાશે. એરપોર્ટ પ્રોજેક્ટ 2030 સુધીમાં વિશ્વની ટોચની 10 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં રિયાધને સામેલ કરવાની વ્યૂહરચનાનો એક ભાગ: એરપોર્ટથી લગભગ એક લાખ ત્રણ હજાર લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળવાનો દાવો

નવી દિલ્હી ;સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને રિયાધ એરપોર્ટને મુખ્ય ઉડ્ડયન હબમાં ફેરવવાની જાહેરાત કરી છે. આ પછી એરપોર્ટ પરથી 12 કરોડ મુસાફરો મુસાફરી કરી શકશે.

સાઉદી અરેબિયાની સરકારી પ્રેસ એજન્સી SPA અનુસાર, વર્ષ 2030 સુધીમાં એરપોર્ટના કાયાપલટનું કામ પૂર્ણ થઈ જશે. સાઉદી અરેબિયાના સોવરિન વેલ્થ ફંડ (પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ એટલે કે પીઆઈએફ)ને આ ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની જવાબદારી આપવામાં આવી છે.જો કે આ એરપોર્ટ બનાવવા માટે કેટલો ખર્ચ થશે તે જણાવવામાં આવ્યું નથી.

આ એરપોર્ટ 57 ચોરસ કિલોમીટર એટલે કે 5700 હેક્ટર વિસ્તારમાં બનાવવામાં આવશે. હાલના કિંગ ખાલિદ એરપોર્ટને પણ આમાં સામેલ કરવામાં આવશે.

ઉડ્ડયન એ 2030 સુધીમાં પરિવહન અને લોજિસ્ટિક્સ હબ બનવાની સરકારની વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રિયાધ એરપોર્ટને નવી એરલાઇન RIAની કામગીરીનું કેન્દ્ર બનાવવામાં આવનાર છે

સાઉદી અરેબિયા હવે તેલ પર તેની અર્થવ્યવસ્થાની નિર્ભરતા ઘટાડવા માટે તેના વિઝન 2030 પર ટ્રિલિયન ડોલરનું રોકાણ કરી રહ્યું છે. પ્રિન્સ મોહમ્મદે આ વિઝનની શરૂઆત કરી છે.

SPA અનુસાર, “એરપોર્ટ પ્રોજેક્ટ 2030 સુધીમાં વિશ્વની ટોચની 10 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં રિયાધને સામેલ કરવાની વ્યૂહરચનાનો એક ભાગ છે.” અહીંથી 250 સ્થળોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવાનો પણ લક્ષ્ય છે.

કિંગ સલમાન એરપોર્ટથી લગભગ એક લાખ ત્રણ હજાર લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2050 સુધીમાં આ એરપોર્ટ પરથી 185 મિલિયન મુસાફરોને હેન્ડલ કરવાનો અને 3.5 મિલિયન ટન કાર્ગોની પ્રક્રિયા કરવાનું લક્ષ્ય છે.

(9:55 pm IST)