Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ર૦૦ રૂપિયાના સફરજન ૬૦-૮૦ના થઈ ગયા !

શકિત અને સ્‍વાસ્‍થ્‍ય વર્ધક ફળોનું મોટા પ્રમાણમાં બજારમાં આગમન : શિયાળામાં સૌથી વધારે પપૈયાનું થઈ રહેલું વેચાણઃ સંતરા, મોસંબી, અનાનસ, દાડમ અને સ્‍ટ્રોબેરી પણ લોકમાં પ્રિય

મુંબઇ, તા.૩૦: શિયાળો શરૂ થતા વિવિધ પ્રકારના ફળો પુષ્‍કળ પ્રમાણમાં બજારમાં આવવા માંડયા છે. પુરવઠો વધી જતા નિયમ મુજબ સફરજન, જામફળ, પપૈયું, સ્‍ટ્રોબેરી, અનાનસ અને દાડમ જેવા ફળોના ભાવ ઘટી ગયા છે. બે મહિના પહેલા રૂ.૧પ૦થી ર૦૦ના કિલોના ભાવે મળતા સફરજન હવે ૭૦થી ૮૦ રૂપિયામાં વેચાઈ રહ્યા છે. આવી રીતે જ ૧૮૦ના કિલો દાડમના ભાવ રૂ.૧૨૦ થઈ ગયા છે. જો કે ફળો સસ્‍તા થઈ ગયા હોવા છતાં અગાઉના સમયની માફક તેના વેચાણમાં ખાસ કંઈ વધારો જોવા મળી રહ્યો નથી.

શિયાળામાં ઠંડી વધતાની સાથે તાવ, શરદી, શુષ્‍ક ત્‍વચા અને વાયરલ ઇનફેકશન જેવી નાની મોટી બિમારીઓ પણ વધી જાય છે. ત્‍યારે તેવા સમયે રોગપ્રતિકારક શક્‍તિ વધારવાની આવશ્‍યકતા સર્જાય છે. જેના માટે કોઈ એલોપેથીક દવા કે હેલ્‍થ સપ્‍લીમેન્‍ટ લેવાના બદલે લોકો શિયાળામાં મળતા ફળ અને શાકભાજીનું સેવન કરવાનું પસંદ કરે છે. સંતરા, અનાનસ, સ્‍ટ્રોબેરી અને દાડમ જેવા ફળોમાંથી વિટામીન સી મળે છે. તેમજ સફરજન, કીવી અને પપૈયા જેવા ફળોમાંથી વિટામિન એ મળે છે. શિયાળામાં આ તમામ ફળોની સારી આવક થતા તેમના ભાવમાં કિલો દીઠ સરેરાશ રૂપિયા ૫૦ થી ૭૦નો ઘટાડો થયેલો જોવા મળે છે. ફળ વિક્રેતા જણાવે છે કે, તમામ ફળોમાંથી શિયાળામાં પપૈયું સૌથી વધારે વેચાય છે. સાથે જ શિયાળામાં આમળા અને શિંગોડા જેવા ફળોના વેચાણમાં પણ તેમના આયુર્વેદિક ગુણોના કારણે વધારો જોવા મળે છે.

આજના આધુનિક સમયમાં કેમિકલવાળી ખેતી વધતા તરબૂચ, શકરટેટી જેવા ઉનાળાના ફળો પણ શિયાળામાં જોવા મળે છે. તો બીજી બાજુ સ્‍ટ્રોબેરી, સંતરા જેવા શિયાળાના ફળો ઉનાળામાં પણ જોવા મળે છે. પહેલાના સમયમાં ૧૨ મહિનામાં એક ચોક્કસ ? તુ દરમિયાન ફળ મળતા હોવાથી સીઝન આવતા જ ફળોનું ધૂમ વેચાણ જોવા મળતું હતું, પરંતુ આજકાલ મોટાભાગના ફળો બારેમાસ મળતા હોવાથી લોકોમાં સીઝનના ફળો પ્રત્‍યે પહેલા જેટલો ક્રેઝ રહ્યો નથી. જેના લીધે શિયાળામાં ભાવ નીચા હોવા છતાં ફળોના વેચાણમાં ખાસ વધારો જોવા મળતો નથી તેવું ફળ વિક્રતાઓનું કહેવું છે.(૨૩.૧૬)

ફળોના છૂટક ભાવમાં નોંધાયેલો ઘટાડો

ફળો          નવા ભાવ    જૂના ભાવ

સફરજન     ૭૦થી૮૦     ૧૨૦થીર૦૦

સંતરા        ૪૦થી૫૦     ૭૦થી૮૦

મોસંબી       ૫૦થી૬૦     ૮૦થી૯૦

જામફળ      ૫૦થી૭૦     ૮૦

સ્‍ટ્રોબેરી       ૫૦ (પેકેટ)            ૭૦ (પેકેટ)

પપૈયુ         ૪૦                   ૬૦

દાડમ         ૧૨૦        ૧૮૦

આમળા       ૫૦                   ૭૦થી૭૫

અનાનસ      ૮૦                   ૧૨૦

(પ્રતિ કિલોના ભાવ છે, જેમાં માર્કેટના સ્‍થળ અનુસાર

થોડી-ઘણી વધ-ઘટ હોઈ શકે છે)

(4:09 pm IST)