Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

બિલો પર સમય મર્યાદા નક્કી કરવી એ રાજ્યપાલનું કામ નથી : કેરળ હાઈકોર્ટ

બિલોની સંમતી માટે સમય મર્યાદા નક્કી કરવાનો ઈનકાર : હાઈકોર્ટે આ માંગ સાથે સંબંધિત જાહેર હિતની અરજીને ફગાવી

થિરુવનંતપુરમ, તા.૩૦ : કેરળ હાઈકોર્ટે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને રાજ્યપાલની સંમતિ માટે સમય મર્યાદા નક્કી કરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે હાઈકોર્ટે આ માંગ સાથે સંબંધિત જાહેર હિતની અરજી (પીઆઈએલ)ને ફગાવી દીધી હતી.

પીઆઈએલને ફગાવી દેતા કેરળ હાઈકોર્ટે કહ્યું કે બિલો પર સમય મર્યાદા નક્કી કરવી એ રાજ્યપાલનું કામ નથી. વિધાનમંડળનો અર્થ એ છે કે વિધાનસભા અથવા સંસદ જ આ અંગે કોઈ કાયદો અથવા નિયમ નક્કી કરી શકે છે.

દેશનાં ઘણા રાજ્યોમાં વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલ કે કાયદાઓ વિવિધ કારણોસર લાંબા સમય સુધી રાજભવનમાં અટવાયેલા રહે છે. રાજ્યપાલની મંજૂરી મળ્યા પછી જ આનો અમલ થઈ શકે છે, તેથી સંબંધિત રાજ્ય સરકારો ખોટ અનુભવે છે. તેમના રાજભવનમાંથી વારંવાર એવી ફરિયાદ આવતી હોય છે કે પાસ થયેલા બિલોને તાત્કાલિક મંજૂરી આપવામાં આવતી નથી. આ સમસ્યા એવા રાજ્યોમાં વધુ જોવા મળે છે જ્યાં સરકારો અને રાજ્યપાલો વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ નથી અથવા વિવાદોથી ભરેલા છે. આ સમસ્યા દૂર કરવાની માંગણી કરતી જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આવા રાજ્યોમાં કેરળ પણ આવે છે. કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે રાજ્યપાલ માટે સમય મર્યાદા નક્કી કરવી એ અમારી ફરજ નથી.

(7:51 pm IST)