Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

સરપંચ-ગ્રામ પંચાયતના સભ્ય માટે ૧ જન્યુઆરી ૧૯૯૫ બાદ જન્મેલા ઉમેદવાર ધો.૭ પાસ જરૃરી

મહારાષ્ટ્ર સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર મોકલ્યો : ઓછામાં ઓછું ધોરણ ૭ પાસ કરવાની કલમ ૧ જાન્યુઆરી, ૧૯૯૫ પછી જન્મેલા તમામ લોકો પર લાગુ

મુંબઈ, તા.૩૦ : રાજ્ય સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એક પત્ર મોકલીને સરપંચ અને ગ્રામ પંચાયત સભ્યની જગ્યાઓ માટે ૧ જાન્યુઆરી, ૧૯૯૫ બાદ જન્મેલા તમામ ઉમેદવારો ઓછામાં ઓછા ધોરણ ૭ પાસ હોય તેની ખાતરી કરવા જણાવ્યું છે. આ માહિતી ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા ૨૫ નવેમ્બરે જારી કરવામાં આવી હતી. રાજ્ય સચિવાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કોવિડને કારણે તમામ ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હોવાથી મોટાભાગની ગ્રામ પંચાયતો અને પંચાયત સમિતિઓની ચૂંટણીઓ યોજાવાની છે. જેના કારણે અનેક જિલ્લા કલેક્ટર કચેરીઓએ ગ્રામ પંચાયત એક્ટની કલમ ૧૩ અંગે સ્પષ્ટતા માંગી હતી. ઔરંગાબાદના જિલ્લા કલેક્ટર આસ્તિક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, સરકારના પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઓછામાં ઓછું ધોરણ ૭ પાસ કરવાની કલમ ૧ જાન્યુઆરી, ૧૯૯૫ પછી જન્મેલા તમામ લોકો પર લાગુ થશે. એક બીજા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજ્યમાં યોજાનારી તમામ ગ્રામ પંચાયતો અને સરપંચોની ચૂંટણી દરમિયાન આ નિયમ મદદરૃપ થશે. જો કે, રાજ્ય સરકારે કલેક્ટરને પાઠવેલા પત્રમાં સરપંચ શબ્દની જગ્યાએ 'સભ્ય' શબ્દ નાખવામાં આવ્યો છે. આ સુધારા મુજબ, ૧ જાન્યુઆરી ૧૯૯૫ના રોજ અથવા તે બાદ જન્મેલ વ્યક્તિ ૭મા ધોરણની પરીક્ષા પાસ કર્યા બાદ જ ગ્રામ પંચાયતોના સભ્યોના પદ માટે અરજી કરી શકે છે. આ પત્રમાં હાઈકોર્ટની એક રિટ પિટિશન (નં. ૨૦૯/૨૦૧૮) અને અન્ય અરજીઓ પર જારી કરાયેલા આદેશોને હવાલો આપવામાં આવ્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, જનતામાંથી સીધા ચૂંટાયેલા સરપંચ ગ્રામ પંચાયતના હોદ્દેદાર સભ્ય છે. તે બાબતને ધ્યાનમાં રાખી ૧ જાન્યુઆરી, ૧૯૯૫ ના રોજ અથવા તે બાદ જન્મેલ વ્યક્તિએ સામાન્ય ચૂંટણી અથવા સરપંચ અથવા સભ્યના પદ માટેની પેટા ચૂંટણી માટે નામાંકન માટે શાળા શિક્ષણમાં ઓછામાં ઓછું ૭મું ધોરણ પાસ કરેલ પ્રમાણપત્ર અથવા ૭માં ધોરણની સમકક્ષ કોઈપણ શૈક્ષણિક લાયકાત સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત હોવી જોઈએ. આ પ્રમાણપત્ર જમા કરાવવું અનિવાર્ય રહેશે.

(7:56 pm IST)