Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પ્રારંભે જ ઠેરઠેર લાઇનો : રેકોર્ડબ્રેક મતદાનના એંધાણ

સૌરાષ્‍ટ્ર - કચ્‍છ - દ.ગુજરાતમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેનો જનાદેશ EVMમાં કેદ : મતદારોમાં જબરો ઉત્‍સાહ : પ્રારંભે જ દિગ્‍ગજોનું મતદાન : વિજયના દાવા - પ્રતિદાવા : સાંજે ૫ સુધી ચાલશે મતદાન : પરિવર્તન કે પુનરાવર્તન ? દિગ્‍ગજોની કિસ્‍મત દાવ પર

નવી દિલ્‍હી તા. ૧ : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની સૌરાષ્‍ટ્ર - કચ્‍છ - દ.ગુજરાતને આવરી લેતા ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે આજે ફુલગુલાબી ઠંડી વચ્‍ચે મતદાન શરૂ થયું છે. ૭૦ મહિલા ઉમેદવારો સહિત ૭૮૮ જેટલા ઉમેદવારોનું રાજકીય ભાવિ ૨,૩૯,૭૬,૬૭૦ મતદારો ઇવીએમમાં કેદ કરી રહ્યા છે. સમગ્ર દેશના લોકોની જ્‍યાં નજર કેન્‍દ્રીત થઇ છે તે ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે સવારથી જ અનેક મતદાન કેન્‍દ્રો ઉપર લાંબી લાંબી લાઇનો જોવા મળતા રેકોર્ડ બ્રેક મતદાન થાય તેવા નિર્દેશ મળે છે. આજના મતદાનથી અનેક દિગ્‍ગજોની કિસ્‍મતનો પણ ફેંસલો થશે. આજે સવારમાં જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, રીવાબા જાડેજા, જયેશ રાદડિયા, પરેશ ધાનાણી, છોટુ વસાવા, કાંતિ અમૃતિયા વગેરેએ મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો. દરમિયાન વડાપ્રધાન, ગૃહમંત્રી તથા રાહુલ ગાંધીએ લોકોને મોટા પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરી છે.

રાજ્‍યમાં પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે એવી ચર્ચા વચ્‍ચે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે, સવારે ૮ વાગ્‍યાથી મતદાન શરૂ થઈ ગયું છે. મતદારો આજે તેમના મતાધિકારનો ઉપયોગ કરી તેમના લોક લાડીલા ઉમેદવારને મત  આપી રહ્યા છે. પ્રથમ તબક્કામાં કુલ ૮૯ બેઠકોનો સમાવેશ થાય છે. તો બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર ચૂંટણીનો સંગ્રામ જોવા મળશે. મતદાન સાંજે ૫.૦૦ વાગે પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં કચ્‍છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ ૧૯ જિલ્લાઓમાં મતદાન થઇ રહ્યું છે. ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે. તો બાકીની ૯૩ બેઠકો પર ૫મી ડિસેમ્‍બરે મતદાન યોજાશે અને આ બંને તબક્કાઓમાં ૧૮૨ બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ ૮મી ડિસેમ્‍બરના રોજ જાહેર થશે.

પૂર્ણેશ મોદી ઢોલ-નગારા સાથે સમર્થકો સાથે મતદાન કરવા પહોંચ્‍યા હતા. હાલ ગુજરાતની ચૂંટણીમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો પણ તેમનો મત આપવા પહોંચી રહ્યા છે.

ઉમરગામમાં વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદારોની લાંબી કતારો લાગી હતી. વહેલી સવારથી મહિલા અને પુરૂષોની લાંબી કતારો લાગી હતી. મતદારોએ મતદાન કરવા માટે ઉત્‍સાહ દર્શાવ્‍યો હતો. ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત શાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી..પાંચ ટર્મથી જીત મેળવતા વારલી સમાજના ભાજપનાં ઉમેદવાર રમણ પાટકર સામે કોંગ્રેસે પ્રથમ વાર વારલી સમાજના ઉમેદવાર નરેશ વળવીને મેદાનમાં ઉતાર્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારમા વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. ગ્રામ્‍ય વિસ્‍તારમા મોટી સંખ્‍યામા ભાઇઓ તથા બહેનો મતદાન મથક પર પહોચ્‍યા હતા. લોકશાહીના પર્વની ઉજવણી કરવા મતદાતાઓ મતદાન કરવા આતુર બન્‍યા છે. રે પોલીસના ચુસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે શાંતીપૂર્ણ મતદાન થઈ રહ્યું છે.

ગોંડલ અક્ષર મંદિરના સંતો મહંતો તેમજ પૂર્વ ધારાસભ્‍યએ સ્‍વામિનારાયણ ગુરૂકુળમાં મતદાન કર્યું હતુ. પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજાએ ગુરૂકુળ ખાતે મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરાવા અપીલ કરી હતી.

કેન્‍દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ અમરેલીના ઇશ્વરીયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં જઇને મતદાન કર્યુ. પુરૂષોત્તમ રૂપાલાએ ઈશ્વરીયા ખાતે આવેલા મહાદેવના આશીર્વાદ લઇને મતદાન કર્યું. પુરૂષોત્તમ રૂપાલા પોતાના ઘરેથી ચાલીને એશ્વર્યા મહાદેવ મંદિરે પહોંચ્‍યા હતા. અમરેલીના ઇશ્વરીયા ગામે વોટરોની લાઇનો જોવા મળી હતી.

જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર સંજય કોરડીયાએ પોતાનાં પરિવાર સાથે મતદાન કરવા ઝાંઝરડા રોડ પર આવેલી ગાયત્રી સ્‍કૂલ ખાતે આવી પહોંચ્‍યા હતા. અને તેમણે મતદાન કરી પોતાની જીતનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

વ્‍યારા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પુનાજી ભાઈ ગામીતે કર્યું મતદાન, વ્‍યારાની કરંજવેલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં કર્યું મતદાન. પુનાજી ભાઈ ગામીત વ્‍યારા બેઠક પરથી સતત ૪ ટર્મથી ચૂંટાઈ આવ્‍યા છે. મોટી બહુમતીથી ચૂંટાઈ આવશે તેવી આશા વ્‍યક્‍ત કરી.

જામનગર ઉત્તરના ઉમેદવાર રીવાબાએ આજે રાજકોટમાં આઈપી મિશન સ્‍કૂલ ખાતે મતદાન કર્યું હતું, કારણ કે તેમનું રાજકોટની મતદાર યાદીમાં નામ છે. જયારે રવિન્‍દ્રસિંહ જાડેજાનું નામ જામનગરની મતદાર યાદીમાં છે. જયારે હોટ સીટ બનેલી ગોંડલ સીટના ઉમેદવાર ગીતાબાના પતિ અને પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજાએ પણ મતદાન કર્યું હતું.

ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત થઈ છે. ત્‍યારે મોરબીમાં મતદાન મથકો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. મોરબી વિધાનસભાના ૯૦૫ મતદાન મથકો ઉપર અંદાજીત ૫૪૦૦ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્‍યા છે.

જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર સંજયભાઈ કોરડીયા પોતાનાં પરિવાર સાથે મતદાન કરવા ઝાંઝરડા રોડ પર ગાયત્રી સ્‍કૂલ ખાતે આવ્‍યા હતા અને તેણે પોતાની જીતનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો

કેન્‍દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્‍વિટ કરીને મતદાન કરવાની અપીલ કરી છે.

ચૂંટણી પહેલા પીએમ મોદીએ ગુજરાતની જનતાને મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરીછે. પીએમ મોદીએ ટ્‍વિટ કરીને ઉલ્લેખ કર્યો છે.

૨૦૨૨ના ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૪.૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી રહ્યા છે. આમાંથી ૨,૫૩,૩૬,૬૧૦ મતદારો અને ૨,૩૭,૫૧,૭૩૮ મહિલા મતદારો છે. આમાંથી ૨૭ હજાર ૯૪૩ સરકારી કર્મચારી મતદારો, ૪,૦૪,૮૦૨ દિવ્‍યાંગ મતદારો મતદાન કર્યું છે. મતદારોમાં ૯.૮ લાખ મતદારોની ઉંમર ૮૦ વર્ષથી વધુ છે. આમાંથી ૧૦ હજાર ૪૬૦ મતદારોની ઉંમર ૧૦૦થી વધુ છે. એક હજાર ૪૧૭ થર્ડ જેંડર મતદારો પણ આ ચૂંટણીમાં મતદાન કરી શકશે. ચાર લાખ ૬૧ હજાર ૪૯૪ મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે

 

(10:47 am IST)