Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

મસ્કને યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા ઝેલેન્સ્કીનું આમંત્રણ

મસ્ક ટ્વીટર પર પોલ કરીને ઉકેલ શોધી રહ્યા છે : મને લાગે છે કે, કાં તો ટ્વીટરના નવા માલિક પર કોઈનો પ્રભાવ છે અથવા તે પોતાના મનની વાત કરે છે : ઝેલેન્સકી

નવી દિલ્હી , તા.૧ : ટહાલમાં ટ્વીટરના નવા માલિક એલોન મસ્ક ટ્વીટર પર પોલ કરીને દરેક મુશ્કેલ બાબતનો ઉકેલ શોધી રહ્યા છે. તેઓ ટ્વીટર પર પોલિંગ કરે છે અને લોકોના અભિપ્રાય પ્રમાણે કામ કરે છે. તાજેતરમાં તેમણે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને એક સર્વે પણ કર્યો હતો. ત્યારબાદ પોતાની સલાહ પણ આપી હતી. જોકે, એલોન મસ્કની સલાહ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પસંદ ન આવી અને તેમણે મસ્કને આડે હાથ લીધા હતા. યુદ્ધ સમાપ્ત કરવાના મસ્કના પ્રસ્તાવની ટીકા કરતા ઝેલેન્સકીએ મસ્કને તેમના યુદ્ધગ્રસ્ત દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.

મસ્કનો ઉલ્લેખ કરતા ઝેલેન્સકીએ કહ્યું કે, મને લાગે છે કે, કાં તો મસ્ક પર કોઈનો પ્રભાવ છે અથવા તે પોતાના મનની વાત કરે છે. ઝેલેન્સકીએ મસ્કને આમંત્રણ આપ્યું અને કહ્યું કે, જો તમારે સમજવું હોય કે રશિયાએ અહીં શું કર્યું છે તો યુક્રેન આવો અને બધું જુઓ. ત્યારબાદ મને કહો કે, આ યુદ્ધ કેવી રીતે સમાપ્ત કરી શકાય. યુદ્ધ કોણે શરૂ કર્યું અને તે ક્યારે સમાપ્ત થઈ શકે?

ત્યારબાદ ઝેલેન્સકીએ મસ્ક માટે પણ એક પોલ કરાવ્યો. ઝેલેન્સકીએ પૂછ્યું કે, તમને કયો એલોન મસ્ક ગમે છે? જવાબમાં બે વિકલ્પ પણ રાખ્યા હતા. ૧- રશિયાનું સમર્થન કરનારા. ૨- યુક્રેનના સમર્થક. ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી પુતિન રશિયાના નેતા રહેશે ત્યાં સુધી તેઓ ક્યારેય રશિયા સાથે વાતચીત નહીં કરે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને મસ્કે ઓક્ટોબરમાં એક પોલ કર્યું હતું. આ પોલ પર તેમણે લોકોને 'હા' અથવા 'ના'માં જવાબ આપવા કહ્યું હતું. બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટે પોલમાં ચાર મહત્વની બાબતો રાખવામાં આવી હતી. તેણે મોસ્કો દ્વારા કબજે કરેલા યુક્રેનિયન પ્રદેશોમાં યુનાઈટેડ નેશન્સ દ્વારા દેખરેખ હેઠળના લોકમતને ફરીથી ચલાવવું,  ક્રિમિયા દ્વીપકલ્પ પર રશિયન સાર્વભૌમત્વને સ્વીકાર કરવું અને યુક્રેનને તટસ્થ દરજ્જો આપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો

(7:54 pm IST)