Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સરકારી રજાઓ સહિત એપ્રિલમાં રસીકરણ અભિયાન ચાલુ રખાશે

દેશમાં વાયુવેગે વધી રહેલાં કોરોના પર નિયંત્રણ માટે સરકારનો નિર્ણય :કેન્દ્રની મોદી સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખી રસીકરણ અભિયાનને સતત ચલાવવા માટે જરુરી વ્યવસ્થા કરવા માટે જણાવ્યું

નવી દિલ્હી, તા. ૧ : દેશમાં વાયુવેગે વધી રહેલા કોરોના સંક્રમણના નવા કેસોને જોતાં કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનને ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે. જે હેઠળ દેશભરમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનને આખો મહિનો સતત ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે, આ દરમિયાન સરકારી સહિત રજાઓમાં પણ રસીકરણની કામગીરી ચાલુ રહેશે.

આ અંગે કેન્દ્રિય આરોગ્ય વિભાગે કહ્યું કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગુરુવારે એક પત્ર લખી રસીકરણ અભિયાનને સતત ચલાવવા માટે જરુરી વ્યવસ્થા કરવા જણાવ્યું છે. આરોગ્ય વિભાગનું કહેવુ હતું કે દેશમાં કોરોના રસીકરણની ઝડપ અને કવરેજ વધારવા માટે ૩૧ માર્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠકમાં નિર્ણય લેવાયો હતો. જે હેઠળ દેશભરમાં એપ્રિલમાં આવતી તમામ જાહેર અને શનિવાર-રવિવારની રજાઓને રદ કરીને રસી આપવાની કામગીરી સતત ચાલશે. ઉલ્લેખનીય છે કે, પહેલી એપ્રિલથી દેશભરમાં રસીકરણ અભિયાનમાં ૪૫થી વધુ વયના તમામ નાગરિકોને રસી આપવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ પહેલા રસીકરણના બે તબક્કા હેઠળ અત્યાર સુધી કુલ ૬.૫ કરોડથી વધુ રસીના ડોઝ લાગી ચૂક્યા છે.

તો બીજી તરફ દેશમાં ફરી વળેલી કોરોના સંક્રમણની બીજી લહેરથી પરિસ્થિતિઓ ગંભીર અને બેકાબૂ બની ચૂકી છે. વિતેલા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોના સંક્રમણના નવા ૭૨ હજારથી વધુ કેસ સામે આવ્યા હતા જ્યારે ૪૫૦થી વધુ દર્દીઓના મોત નીપજ્યા હતા. આંકડા દર્શાવે છે કે ગત વર્ષે કોરોના મહામારીની શરુઆતની સરખામણીએ બીજી લહેરમાં સ્થિતિ ચિંતાજનક છે કારણ કે નવા કેસનું પ્રમાણ અને મૃત્યુદર બંને વધારે છે.

(9:23 am IST)