Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

મારા ઘરેથી કોઈ ડ્રગ્સ નહીં, ઊંઘની ૪ ગોળીઓ મળી છે

બીગ બોસ સ્પર્થક એઝાઝ ખાને સ્પષ્ટતા કરી : કોર્ટે ત્રણ એપ્રિલ સુધી એઝાઝ ખાનની કસ્ટડીમાં રાખ્યો

મુંબઈ,તા.૩૧ : ડ્રગ્સ કેસમાં એક્ટર અને બિગ બોસ સ્પર્ધક એઝાઝ ખાનની આઠ કલાકથી પૂછપરછ બાદ બુધવારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેને મુંબઇની કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં રજૂ કરતાં સમયે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ એઝાઝ અંગે ઘણાં ખુલાસા કર્યા હતાં. ગત અઠવાડિયે ડ્રગ્સ મામલે ધરપકડ થયેલાં શાદાબ બટાટા અને એઝાઝ વચ્ચે સંબંધ હતા. એનસીબી બંનેને આમને સામને બેસાડી પૂછપરછ કરવાં ઇચ્છે છે. એ માટે એઝાઝની ત્રણ દિવસની કસ્ટડીની માંગણી થઇ છે. જેને કોર્ટે મંજૂરી આપી દીધી છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોનું કહેવું છે કે, તેમણે એઝાઝ ખાનનાં ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ તેમને સ્પષ્ટતા આપતાં કહ્યું કે, એનસીબીને તેનાં ઘરમાંથી ફક્ત ૪ ઉંઘની ગોળીઓ મળી આવી હતી.

            પઆ ગોલી તેની પત્ની લે છે. કારણ કે ગત દિવસોમાં તેને મિસકેરેજ થયું છે તેથી તે ડિપ્રેશનથી બચવાં ઊંઘની ગોળી લઇ રહી છે. કોર્ટે એઝાઝને ૩ એપ્રીલ સુધી એનસીબીની હિરાસતમાં મોકલ્યાં છે. મંગળવારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ એઝાઝ ખાનને મુંબઇ એરપોર્ટથી અટકાયતમાં લીધા હતાં. એનસીબી તપાસમાં સામે આવ્યું છે કે, શાદાબ જ તે વ્યક્તિ હતો જે એઝાઝ સુધી ડ્રગ્સ પહોચાડતો હતો. અને એજાઝ આ ડ્રગ્સને બોલિવૂડથી જોડાયેલાં લોકોને મોકલાવતો હતો. આ મામલામાં વધુ બોલિવૂડ સિતારાઓનાં નામ ખુલી શકે છે. રિપોર્ટ મુજબ, એઝાઝનાં વધુ પડતા ક્લાયન્ટ ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં છે. આ તમામ સુધી ડ્રગ્સ પહોંચાડવા માટે એક્ટર વોટ્સએપનાં વોઇસ નોટ ફીચરનો ઉપયોગ કરતો હતો. ઓર્ડર મળતા જ તે રેકોર્ડિંગ ડિલીટ કરી દેતો હતો. ડ્રગ્સ અંગે આ કસ્ટમરથી સીરિયલ અને ફિલ્મનાં નામ બનેલાં કોડમાં વાત કરતાં હતાં.

(12:00 am IST)