Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

દુધવા અભ્યારણ્યમાં આગથી ૧૦૦ હેક્ટર સંપત્તી ખાક

ઉત્તર પ્રદેશના જંગલમાં આગથી ભારે નુકસાન : આગ લાગવાનું કારણ સામે નથી આવ્યું, આગના કારણે જંગલની સરહદે કટૈયા, કાંપ, ટાંડા ગામમાં અફરાતફરી

નવી દિલ્હી, તા. ૧  : ઉત્તર પ્રદેશમાં આવેલા લખીમપુર ખીરી જિલ્લાના દુધવા વાઘ અભયારણ્યમાં બુધવારે સાંજે આગ ભભૂકી ઉઠી હતી. મૈલાની અને કિશનપુરના જંગલોમાં લાગેલી આગના કારણે ૧૦૦ હેક્ટરથી વધારે વન સંપત્તિ સળગીને રાખ થઈ ગઈ હતી. જો આગને કાબૂમાં લેવામાં નહીં આવે તો જંગલના અન્ય ઝાડ પણ નષ્ટ થઈ જશે.

દુધવા પાર્ક પ્રશાસને જંગલમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ગાડીઓને મોકલી આપી છે. આગ હોનારતમાં વન્યજીવો પણ લપેટમાં આવ્યા હોવાની આશંકા છે. જો કે, હજુ સુધી કયા કારણથી આગ લાગી તે સામે નથી આવ્યું. આગ લાગવાના કારણે જંગલની સરહદે આવેલા કટૈયા, કાંપ અને ટાંડા ગામમાં અફરાતફરી મચી ગઈ છે.

મૈલાની-ભીરા જંગલમાંથી નીકળી રહેલા લોકોએ આગની લપેટો જોઈ હતી અને વનવિભાગને તેની જાણ કરી હતી. વનવિભાગે તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને અનેક સ્તરે કામ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકોના મતે માર્ચ મહિનામાં પડેલી ભીષણ ગરમીના કારણે આગ લાગી હોઈ શકે. પરંતુ આગના કારણે વનવિભાગની તૈયારીઓની પોલ ખુલી ગઈ છે. આગનું વિકરાળ સ્વરૂપ જોઈને આજુબાજુના ૫૦ જેટલા ગામના લોકો ત્યાં પહોંચી ગયા છે. ગામના લોકોને જંગલની આગ તેમના ખેતરો સુધી ન પહોંચી જાય તેવો ડર છે. ગત વર્ષે જૂન મહિનામાં પણ દુધવા ટાઈગર રિઝર્વની કિશનપુર સેંચ્યુરીના કોરજોન મડહા બીટમાં ભીષણ આગ લાગી હતી. તે સમયે ૭૦ હેક્ટર કરતા વધારે જંગલ બળીને રાખ થઈ ગયા હતા. મોટા ઝાડને ખાસ નુકસાન નહોતુ પહોંચ્યુ પરંતુ નાના ઝાડ સાવ ખેદાન-મેદાન થઈ ગયા હતા. આગમાં કેટલા જાનવરો મૃત્યુ પામેલા તેની કોઈ વિગત હજુ સુધી સામે નથી આવી.

(12:00 am IST)