Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ન્યૂઝીલેન્ડમાં ધનિકો ઉપરના ટેક્સમાં ૩૯ ટકાનો વધારો

ન્યૂઝીલેન્ડમાં સરકારનું આવકાર્ય પગલું : ન્યૂનતમ વેતનમાં પ્રતિ કલાકે ૨૦ ડોલરનો વધારો, દેશના ૧,૭૫,૫૦૦ કામદારોને વેતન વધારાનો લાભ મળશે

વેલિંગ્ટન, તા. ૧ :  ન્યૂઝીલેન્ડે હાલમાં જ ટેક્સ સિસ્ટમમાં બદલાવ કરતા વધુ કમાણી કરતા એટલે કે ધનિક લોકો પરનો ટેક્સ ૩૯% વધાર્યો છે. આ સાથે જ ન્યૂનતમ વેતનને ૨૦ ડૉલર પ્રતિ કલાક સુધી વધારવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ન્યૂનતમ વેતન વધતા ન્યૂઝીલેન્ડના આશરે ૧૭૫,૫૦૦ કામદારોને ફાયદો થશે અને દેશની ઈકોનોમી ૨૧૬ મિલિયન ડૉલર સુધી વધશે.

ન્યૂઝીલેન્ડમાં નવો ટેક્સ દર તે દરેક વ્યક્તિ પર લાગુ થશે કે જેની વાર્ષિક આવક ૧૮૦,૦૦૦ ડૉલર કરતા વધારે છે. તેઓ ન્યુઝીલેન્ડની કુલ જનસંખ્યાના ૨% છે. સરકારનો દાવો છે કે આ નિર્ણયથી તેઓ વાર્ષિક નફામાં ૫૫૦ મિલિયન ડૉલર ઉમેરી શકે છે.

આ બદલાવ પર ન્યુઝીલેન્ડના વડાંપ્રધાન જેસિન્ડા અર્ડ્રેને કહ્યું કે તેઓની કેબિનેટે આ બદલાવ ચૂંટણીના વચન પૂરા કરતા કર્યા છે. આ બદલાવ ઘણાં સમય પહેલા જ થઈ જવો જોઈતો હતો. જેનો હેતુ તે લોકોને સપોર્ટ કરવાનો છે જેઓ સૌથી વધારે અસુરક્ષિત કેટેગરીમાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે હજુ તો ઘણું કરવાનું બાકી છે. અમારી હેલ્થ સિસ્ટમમાં વધુ સુધારો કરવાનો છે. જે લોકો પાસે ઘર નથી તેઓ માટે ઘર બનાવવાના છે. શિક્ષણમાં રોકાણ કરવાનું છે અને સાથે જ ટ્રેનિંગ અને રોજગારીની તક વધારવાની છે. ન્યુઝીલેન્ડના સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, ટેક્સમાં બદલાવ અને ન્યૂનતમ આવક સમર્થન આ અઠવાડિયાથી જ લાગુ કરાશે.

આ પહેલા ન્યુઝીલેન્ડે ઐતિહાસિક નિર્ણય લેતા મિસકેરેજ પર ૩ દિવસની પેઈડ લીવની જાહેરાત કરી હતી. આ નિર્ણય તે કપલ્સને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો હતો કે જેઓના બાળક જન્મતા જ મૃત્યુ પામે છે.

(12:00 am IST)