Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

નંદીગ્રામ બેઠકના મતદાનમાં ગરબડનો મમતા બેનરજીનો આરોપ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને ભારે ઉત્તેજના : અત્યાર સુધીમાં ગરબડને લઈને ૬૩ ફરિયાદો કરવામાં આવી છે પણ એક પણ ફરિયાદ પર કાર્યવાહી થઈ નથી

કોલકાતા, તા. : પશ્ચિમ બંગાળની નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા મમતા બેનરજીનુ ભાવી આજે ઈવીએમમાં સીલ થઈ જશે.

નંદીગ્રામ બેઠક પર ચાલી રહેલા મતદાન વચ્ચે આજે મમતા બેનરજીએ મતદાનમાં ગરબડનો આરોપ લગાવ્યો છે. આજે બપોરે મમતા બેનરજી મતદાનની સ્થિતિ જોવા માટે નિકળ્યા હતા અને એક મતદાન મથક પર રોકાયા પણ હતા. પછી તેમણે રાજ્યપાલને ફોન કરીને આરોપ મુક્યો હતો કે, મતદાનમાં ગરબડ કરવામાં આવી રહી છે અને તેની સામે હું કોર્ટમાં જઈશ. મમતાએ કહ્યુ હતુ કે, ચૂંટણી પંચ કોઈ કાર્યવાહી કરી રહ્યુ નથી. અત્યાર સુધીમાં ગરબડને લઈને ૬૩ ફરિયાદો કરવામાં આવી છે પણ એક પણ ફરિયાદ પર કાર્યવાહી થઈ નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદાન વખતે સમસ્યા સર્જવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મમતા બેનરજી મતદાન મથક પર પહોંચ્યા બાદ ભાજપ અને ટીએમસીના કાર્યકરોએ જોરદાર હંગામો કર્યો હતો અને એક બીજા પર મતદાનમાં ગોટાળા કરવાના આરોપ લગાવ્યા હતા.

મમતા બેનરજીના પોલિંગ એજન્ટ શેખ સુફિયાને આરોપ મુક્યો હતો કે, કેન્દ્રીય સુરક્ષા દળોના જવાનોએ મતદાતાઓ સાથે મારપીટ કરી છે. બીજી તરફ ભાજપના સમર્થકોએ પણ ટીએમસીના સમર્થકો પર લોકોને મતદાન કરતા રોકવાનો આરોપ લગાવ્યો છે.

(12:00 am IST)