Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

જીવનભર મસાલા વગરનું ભોજન જમનાર અને રાત્રે કયારેય વાળુ નહીં કરનાર ગાંધીવાદી દ્વારિકો સુંદરાનીનું ૯૯ વર્ષની વયે દુઃખદ અવસાન

બોધ ગયા ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય

પટણા-બોધગયા તા. ૨ : જીવનભર મસાલા વગરનું ભોજન જમનાર અને રાત્રે કયારેય વાળુ નહીં કરનાર ગાંધીવાદી દ્વારિકો સુંદરાની નું ૯૯ વર્ષની વયે દુખદ અવસાન થયું છે. પોતાનું જીવન સમાજ સેવામાં સમર્પિત દીધું હતું. તેઓ ગાંધી વિચારધારા માટે પ્રખ્યાત હતા. વહેલી સવારે ચાર વાગે બોધગયા ખાતે સમન્વય આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર પૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવેલ.

મુખ્યમંત્રી નીતીશકુમાર સહીત બિહારના અનેક દિગ્ગજ નેતાઓએ દ્વારીકો સુંદરાની ના નિધન ઉપર ઊંડો શોક વ્યકત કર્યો હતો. તેઓ ૯૯ વર્ષના હતા.

તેમનું ભોજન સંપૂર્ણ સાદગીભર્યું રહ્યું હતું. જીવનભર તેમણે કોઈ પણ મસાલા વિનાનું ભોજન લીધેલું. માત્ર નમક નાખેલ, ઉકાળેલ સબ્જી તથા શુદ્ઘ શાકાહારી ભોજન કરી પોતાનું સમગ્ર જીવન સમાજસેવાને સમર્પિત કરી દીધું હતું.

તેઓ છેલ્લા ૪૨ વર્ષથી સમન્વય આશ્રમમાં રહેતા હતા. તેમની બહેન વિમળાબેને આ વિગતો આપી હતી. ભાઈજીએ તેમને છોટી બહેનનો દરજ્જો આપ્યો હતો.

ત્રણ વાગ્યે ભાઈજી ઉઠી જતા અને નિત્ય ક્રિયાથી નિવૃત્ત્। થઈ ૪ વાગ્યે આશ્રમના વિદ્યાર્થીઓ સાથે સર્વ ધર્મ પ્રાર્થના કરતા હતા. તે પછી પાંચ વાગ્યાથી વિદ્યાર્થીઓનું ભણતર શરૂ થતું જેમાં ભાઈજી પણ બેસતા. ૮ વાગ્યે દૂધ અને દાળિયાનો નાસ્તો કરતા, ફળ પણ લેતા હતા એ પછી મુલાકાત આપતાં. કયારેક બહાર જવાનું થતું. બપોરે ૧ વાગ્યે રોટલી અને શાકભાજીનું ભોજન લેતા. તેમના શાકમાં નમક સિવાય કોઈ મસાલા નાખવામાં આવતા ન હતા અને બાફેલ શાકભાજી જમવામાં લેતાં. તેમણે કયારેય ઈંડા કે માંસ માછલીનો આહાર લીધો ન હતો.

ફુરસતના સમયમાં તેઓ અખબારો સાથે ગાંધીજી, વિનોબા ભાવે અને બુદ્ઘ સાથે સંકળાયેલ પુસ્તકોનું અધ્યયન કરતા.

સાંજે ૭ વાગ્યે કોઈપણ ભોજન લીધા વિના માત્ર દૂધ પી ને સુઈ જતા હતા. કોઇએ તેમને રાત્રી ભોજન કરતા જોયા ન હતા. તેવો પહેરવેશમાં માત્ર ખાદીના કપડાનો ઉપયોગ કરતાં અને સ્નાન માટે ખાદી ગ્રામોદ્યોગમાં બનાવાયેલ સાબુનો ઉપયોગ કરતા હતા.

દેશના ભાગલા પછી જેવો લારકાનાથી ભારત ચાલ્યા આવ્યા હતા. ગાંધીજીના સહવાસમાં રહ્યા પછી વિનોબા ભાવે સાથે ભૂદાન આંદોલનના સમયે વર્ધા આશ્રમમાં બે વર્ષ રહ્યા હતા. એ પછી વિનોબાજીના કહેવાથી બોધગયામાં સમન્વય આશ્રમની સ્થાપના કરી હતી અને ભાઇજીને તેની વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી.

બિહારમાં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે બોધગયામાં ખીચડીનું વિતરણ કરી જયપ્રકાશ નારાયણનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. ત્યારે જેપી પણ ત્યાં આવીને ભાઈજીને મળ્યા હતા.

૧૯૯૨માં ભાઈજીને જમનાલાલ બજાજ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાતના હીરાના વ્યવસાયી ભણસાલી ટ્રસ્ટના માધ્યમથી આ જ જગ્યામાં ૧૯૮૪ થી આજ સુધી મોતિયાના ઓપરેશન માટેની શિબિરો યોજવાનો શ્રેય પણ ભાઇશ્રીને જાય છે.

(11:41 am IST)