Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

પુલવામા સેકટરમાં આતંકી અથડામણ: એક આતંકી ઠાર

બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા કાકાપોરાનાં ગાથ મહોલ્લા વિસ્તાર કોર્ડન કરાયો : સર્ચ ઓપરેશન શરૂ

દક્ષિણ કાશ્મીરનાં પુલવામા વિસ્તારનાં કાકાપોરાનાં ગાથ મહોલ્લા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે કાકાપોરામાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે.

 કાશ્મીર પોલીસે ટ્વિટ કર્યું છે કે, પુલવામાનાં કાકાપોરામાં આતંકવાદીઓ છુપાયા પછી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાશ્મીર પોલીસે કહ્યું કે, પોલીસ અને સેના સંયુક્ત ઓપરેશન કરીને આતંકીઓને જવાબ આપી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ વહીવટીતંત્રએ થોડા સમય માટે પુલવામામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. આજે સવાર (શુક્રવાર) થી એન્કાઉન્ટર શરૂ થયું છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર બેથી ત્રણ આતંકીઓ અંદર ફસાયેલા હોવાની આશંકા છે. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, બે આતંકવાદીઓ અબગામમાં પોલીસની હત્યામાં સામેલ હતા, જ્યાં શુક્રવારે ભાજપનાં નેતાનાં ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું.

  પોલીસ અને સેનાએ આતંકવાદીઓનાં પરિવારોને તેમને આત્મસમર્પણ માટે રાજી કરવા સ્થળ પર પહોંચાડ્યા હતા, પરંતુ એવું લાગી રહ્યું છે કે, તેઓએ આ ઓફર ઠુકરાવી દીધી હતી અને બદલામાં એન્કાઉન્ટર શરૂ કરનાર દળો પર ગોળીબાર કર્યો હતો. આ વર્ષે સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આશરે દસ અભિયાનોમાં ખીણમાં 20 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. શોપિયા અને પુલવામાનાં દક્ષિણ કાશ્મીરનાં જિલ્લાઓએ આ ઓપરેશનો મોટા પ્રમાણમાં જોવા મળ્યા છે.

(10:07 am IST)