Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

હવે અમને કોંગ્રેસના સભ્ય કહેતા પણ શરમ આવે છે

જાગો સોનિયાજી જાગો...કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ લખ્યો પત્રઃ પક્ષ બહારથી અને અંદરથી ખોખલો બની ગયો છેઃ કાયાકલ્પ માટે તુરંત પગલા લેવા જરૂરી : પ્રમાણિકપણે આત્મનિરીક્ષણ કરવુ જરૂરી છેઃ સભ્યો પક્ષ છોડી જઈ રહ્યા છેઃ કારોબારીમાં ધરખમ ફેરફારો કરવા જરૂરીઃ પક્ષ કડડભૂસ થાય તે પહેલા મરમ્મત જરૂરી છે

નવી દિલ્હી, તા. ૨ :. કોંગ્રેસમાં વરિષ્ઠ નેતાઓ અને યુવા નેતૃત્વ વચ્ચે જારી આંતરીક કલહ હવે ખુલ્લેઆમ બહાર આવી રહ્યો છે. હાલમાં જ કોંગ્રેસના સૌથી અનુભવી એવા ૨૩ નેતાઓના સમુહે ખુલ્લેઆમ પોતાની નારાજગી જાહેર કરી હતી અને પક્ષની અંદર તમામ સ્તરે ફેરફારની માંગણી કરી હતી. પાર્ટીના જ એક વધુ વરિષ્ઠ નેતા રણજી થોમસે અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે અને ઈમાનદારીથી આત્મનિરીક્ષણ કરવાની માંગણી કરી છે.

ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમિટીના સચિવ રહી ચુકેલા રણજી થોમસ પક્ષના કદાવર નેતા અહેમદ પટેલની સાથે સાથે અંબિકા સોની અને ઓસ્કાર ફર્નાન્ડીસ સાથે પણ કામ કરી ચૂકયા છે. તેમણે પોતાના પત્રમાં કહ્યુ છે કે સોનિયા ગાંધીએ પક્ષના અધ્યક્ષ તરીકે ચાલુ રહેવુ જોઈએ અને કોંગ્રેસ વર્કીંગ કમિટી એટલે કે કારોબારીનું પુનર્ગઠન કરવુ જોઈએ. થોમસે માગણી કરી છે કે કારોબારીમાં અનુભવી, જાણકાર, રાજકીય કુશળતા અને પક્ષ પ્રત્યે નિષ્ઠા ધરાવનાર નેતાઓને સામેલ કરવા જોઈએ.

અત્રે નોંધનીય છે કે રણજી થોમસ વ્યવસાયે વકીલ છે અને યુપીએ સરકાર વખતે તેમને અરૂણાચલ પ્રદેશના એડવોકેટ જનરલ બનાવવામાં આવ્યા હતા. તેમણે પત્રમાં કહ્યુ છે કે કોંગ્રેસ હાલ બહાર અને અંદર બન્ને તરફથી અનપેક્ષિત પડકારોનો સામનો કરી રહ્યુ છે. પક્ષને કદી ન થાય તેવી ખોટ પડે તે પહેલા પક્ષને ઠીકઠાક કરવા કેટલાક પગલા લેવાની જરૂર છે.

થોમસે પત્રમાં લખ્યુ છે કે આજે આપણે એવા મોડ પર આવી ગયા છીએ જ્યાં પક્ષના અનેક કાર્યકરો ખુદને આ મહાન રાજકીય પક્ષના સભ્ય કહેતા અચકાય રહ્યા છે. જે પક્ષે ભારતને આઝાદી અપાવી તેના સભ્યો કાં તો શાંત બેઠા છે અથવા તો બીજા પક્ષોમાં જઈ રહ્યા છે. થોમસે સોનિયાને કહ્યુ છે કે તેમણે પક્ષને ફરીથી સક્રિય કરવો જોઈએ અને પક્ષના કાયાકલ્પ માટે પગલા લેવા જોઈએ. જો કે તેમણે સોનિયા ગાંધીને અધ્યક્ષ પદે રહેવા અપીલ કરી છે.

(10:16 am IST)