Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

માર્ચના પ્રારંભે જેટલા કેસ દેશમાં નોંધાતા હતા તેટલા કેસ મહારાષ્ટ્રમાં ૧ દિ'માં નોંધાયા

મુંબઇમાં પણ સ્થિતિ ગંભીર : આજે નવા નિયંત્રણો જાહેર થશે

નવી દિલ્હી તા. ૨ : જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જેટલા કેસ આખા દેશમાં નહોતા નોંધાતા તેના કરતા બમણા કેસ એકલા મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં એક દિવસમાં નોંધાતા કેસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજયમાં ગુરુવારે ૪૩,૧૮૩ કેસ નોંધાયા છે. જે કોરોનાની મહામારી આવ્યા પછીના રાજયમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

રાજયમાં નવા નોંધાયેલા ૪૩,૦૦૦ કરતા વધુ કેસ સાથે કુલ કેસનો આંકડો ૨૮,૫૬,૧૬૩ પર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાંવધુ ૨૪૯ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. જેની સાથે કુલ મૃત્યુઆંક ૫૪,૮૯૮ પર પહોંચ્યો છે.

રાજયના હેલ્થ બુલેટિન મુજબ પાછલા ૨૪ કલાકમાં ૩૨,૬૪૧ લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. મહારાષ્ટ્રમાં કુલ ૨૪,૩૩,૩૬૮ લોકો કોરોનાને માત આપી ચુકયા છે. રાજયમાં એકિટવ કેસની સંખ્યા ૩,૬૬,૫૩૩ છે.

મહારાષ્ટ્રની સાથે રાજયની રાજધાની મુંબઈમાં પણ રેકોર્ડ ૮,૬૪૬ નવા કેસ નોંધાયા છે.

આ અઠવાડિયા પહેલા મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે, 'સંપૂર્ણ' બંધ નહીં કરાય, પરંતુ કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવશે, જેથી કરીને કોરોનાની ચેનને તોડી શકાય.

જે રીતે રાજયમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતા રાજય સરકારે મહારાષ્ટ્રમાં નાઈટ કફર્યૂ લાદી દીધો છે. આ સિવાય સરકારે રાતના ૮થી સવારના ૭ વાગ્યા સુધી એક સાથે ૫ લોકોએ ભેગા ના થવું તેવી પણ સૂચના આપી છે. બીચ અને સી-ફ્રન્ટ્સ રાતના ૮થી સવારના ૭ સુધી બંધ રહેશે.

આ સાથે તમામ સિનેમા ઘર, મોલ, રેસ્ટોરન્ટ્સ અને નાટ્યગૃહો રાતના ૮ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી બંધ જ રહેશે.

(10:20 am IST)