Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

મહારાષ્ટ્રમાં આકરા લોકડાઉનની તૈયારી : સાંજે એલાન

રાજ્યમાં કોરોના મહામારીએ ફરી એક વખત ખોફનાક સ્વરૂપ ધારણ કર્યુઃ ઝડપથી ફેલાય રહ્યુ છે સંક્રમણઃ એક જ દિવસમાં ૪૩૦૦૦થી વધુ કેસ નોંધાયા : રાત્રે ૮.૩૦ કલાકે મુખ્યમંત્રી ઉદ્ધવ મહત્વની જાહેરાતો કરશેઃ પૂણે શહેર બન્યુ કોરોનાનું કેન્દ્રઃ રાજ્યમાં લોહીની અછતનું સંકટ ઉભુ થયું

મુંબઈ, તા. ૨ :. મહારાષ્ટ્રમાં કોરોના મહામારીએ ફરી એક વખત ખોફનાક સ્વરૂપ ધારણ કરી લીધુ છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યુ છે. સરકાર રાજ્યમાં લોકડાઉન લાદવાની તૈયારી કરી રહી હોવાનું બહાર આવ્યુ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને લોકડાઉન લાગુ કરવા માટે તૈયાર રહેવા જણાવાયુ છે. જો કે રાજ્યના અનેક જિલ્લાઓમાં નાઈટ કર્ફયુ અને આંશિક પ્રતિબંધો ચાલુ છે છતા કોરોના કાબુમાં આવતો નથી.

મહારાષ્ટ્ર, દિલ્હી સહિત ૮ રાજ્યોના હાલ કોરોનાથી બેહાલ છે. મહારાષ્ટ્રમાં ૪૩૧૮૩ નવા દર્દીઓ સામે આવ્યા છે. મુંબઈમાં જ ૮૬૪૬ નવા દર્દીઓ મળ્યા છે. રાજ્યમાં ૨૮.૫૬ લાખ લોકો મહામારીનો શિકાર બન્યા છે.

મહારાષ્ટ્રમાં પૂણે શહેર સમગ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. અહીંની સ્થિતિ વિસ્ફોટક છે. મહારાષ્ટ્ર સરકાર કોરોનાને કાબુમાં લેવા માટે થોડા દિવસ માટે ટોટલ લોકડાઉનનું એલાન કરી શકે છે. રાજ્યમાં લોહીની અછત જોવા મળી રહી છે. બ્લડ બેન્કમાં હવે ૭ થી ૮ દિવસનું લોહી બચ્યુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજ્યમાં લોકોને બ્લડ ડોનેટ કરવા અપીલ થઈ છે.

દરમિયાન મુખ્યમંત્રી ઠાકરે આજે સમીક્ષા બેઠક યોજ્યા બાદ લોકોને સંબોધન કરશે. સીએમના સંબોધન પહેલા એ બાબતની અટકળો થઈ રહી છે કે તેઓ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી શકે છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે આ માહિતી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે સંબોધન દરમિયાન તેઓ કડક પગલાની જાહેરાત કરી શકે છે.

(3:09 pm IST)