Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ભાજપના ઉમેદવારની કારમાંથી EVM મળતાં ૪ કર્મી સસ્પેન્ડ

આસામ વિધાનસભાની ચૂંટણી પહેલાં ખળભળાટ : કાર વિધાનસભામાં ઉમેદવાર કૃષ્ણેન્દુની હતી જેમાં કોઈ ચૂંટણી અધિકારી નહોતો અને કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી

દિસપુર, તા. ૨ : આસામ વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચારની વચ્ચે ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમના પગલે ખળભળાટ મચી ગયો છે.

સૌથી પહેલા કોંગ્રેસના નેતા શશી થરુર અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ વિડિયો શેર કર્યો હતો.એ પછી તપાસમાં ખબર પડી હતી કે, જે ગાડીમાંથી ઈવીએમ મળ્યા છે તે આસામ વિધાનસભામાં ભાજપના ઉમેદાવર કૃષ્ણેન્દુ પાલની છે.ખાસ વાત એ છે કે, કાર સાથે કોઈ ચૂંટણી અધિકારી નહોતો અને કોઈ સુરક્ષા વ્યવસ્થા પણ નહોતી.

આ મામલે મચેલા હોબાળા બાદ ચૂંટણી પંચે ચાર મતદાન અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને સાથે સાથે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ પણ અપાયો છે.ચૂંટણી પંચે જિલ્લા કલેકટર પાસે આ અંગે રિપોર્ટ પણ માંગ્યો છે.ચૂંટણી પંચને મળેલી માહિતી પ્રમાણે મતદાન માટેની ટુકડીની ગાડી અધવચ્ચે ખરાબ થઈ ગઈ હતી.એ પછી સબંધિત અધિકારીએ રસ્તા પરથી પસાર થઈ રહેલી ગાડીને અટકાવીને હેડક્વાર્ટર સુધી લઈ જવા માટે વિનંતી કરી હતી.

તે વખતે મતદાન માટેની ટીમને જાણકારી નહોતી કે તેઓ જે ગાડીમાં લિફટ લઈ રહ્યા છેતે ભાજપના ઉમેદવારની છે.

જોકે આ દરમિયાન સ્થાનિક લોકોએ આ દ્રશ્ય જોયુ હતુ અને લોકોએ મતદાન માટેની ટીમને ગાડીમાંથી ઉતારી દીધી હતી.જોકે ઈવીએમ સહી સલામત છે.તેના સીલ પણ તુટયા નથી અને ચૂંટણી પંચ હવે વિસ્તૃત રિપોર્ટની રાહ જોઈ રહ્યુ છે.

દરમિયાનમાં આસામના કરીમગંજ ખાતેથી એક બિનવારસી કારમાંથી ઈવીએમ મળી આવવા મામલે ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી એક વિસ્તૃત રિપોર્ટની માંગણી કરી છે. ઈવીએમ મળી આવ્યા બાદ તે વિસ્તારમાં રાજકીય તણાવ વધ્યો છે. કરીમગંજના કનિસૈલ ખાતે એક બોલેરો કારમાંથી ઈવીએમ મળી આવ્યું હતું અને તે ગાડીમાં કોઈ નહોતું.

પ્રાથમિક તપાસમાં તે ગાડી પાથરકાંડી ચૂંટણી ક્ષેત્રના ભાજપના ઉમેદવાર કૃષ્ણેંદુ પાલની હોવાનું સામે આવ્યું છે. લોકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ ચૂંટણી અધિકારીઓ ગાડી પાસે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ મતદાન અધિકારી, ચૂંટણી પંચનો કોઈ કર્મચારી ઉપસ્થિત નહોતો કે બાદમાં પણ તેનું કોઈ દાવેદાર સામે નહોતું આવ્યું.

ગાડીમાંથી ઈવીએમ મળી આવ્યું તેનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તમામ રાજકીય દળો પાસે ઈવીએમના પુનર્મૂલ્યાંકનની માંગણી કરી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઈવીએમ મેનેજમેન્ટ સામે સવાલ ઉઠાવતી ટ્વીટમાં લખ્યું હતું કે, 'દરેક વખતે ચૂંટણી દરમિયાન ઈવીએમ ખાનગી વાહનોમાં લઈ જવાતા પકડાય તેમાં ઘણી વસ્તુઓ એક સરખી હોય છે, પહેલું કે સામાન્ય રીતે ગાડી ભાજપના કોઈ ઉમેદવાર કે તેમના સહયોગીઓની હોય છે.'

વધુ એક ટ્વીટમાં પ્રિયંકાએ ક્રોનોલોજી સમજાવતા લખ્યું હતું કે, 'આ પ્રકારના વીડિયોને એક ઘટના તરીકે લેવામાં આવે છે અને બાદમાં તેને નકારી દેવામાં આવે છે. આ સાથે જ ભાજપ પોતાના મીડિયા તંત્રનો ઉપયોગ એવા લોકો પર આરોપ લગાવવામાં કરે છે જેઓ ઈવીએમને ખાનગી ગાડીઓમાં લઈ જવાની ઘટના જાહેર કરે છે.'

વધુમાં લખ્યું હતું કે, 'તથ્ય એ છે કે, આ પ્રકારની અનેક ઘટનાઓની સૂચના આપવામાં આવે છે અને તે માટે કશું જ નથી કરવામાં આવતું. ચૂંટણી પંચે આવી ફરિયાદોને લઈ નિર્ણાયક કાર્યવાહી કરવાની અને તમામ રાષ્ટ્રીય દળો દ્વારા ઈવીએમ માટે પુનર્મૂલ્યાંકન શરૂ કરવાની જરૂર છે.'

(8:14 pm IST)