Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

૬૫ ટકા ટ્રેનો શરૂ પણ સુવિધા ૬.૫ ટકા પણ નહિ

વધુ ભાડુ આપવા છતાં યાત્રીને અનેક સુવિધાઓ મળતી બંધ

નવી દિલ્હી, તા.૨: કોરોનાના કહેરમાંથી મજબૂતીપૂર્વક બહાર આવ રહેલ સેકટર્સમાં સરકારની રેલ્વે મોખરે છે. માર્ચ ૨૦૨૧માં ભારતીય રેલ્વેએ માલની હેરફેર  દ્વારા ૧,૩૬,૬૩૪૯ કરોડ રૂપિયાની કમાણી કરી જે માર્ચ ૨૦૨૦ની સરખામણીમાં ૩ ટકા વધારે છે. મુસાફરોમાંથી થનારી કમાણી ૨૦૨૦-૨૧ સૌથી વધારે ૬૧૦૦૦ રૂપિયા રહેવાનું અનુમાન નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કર્યુ હતું. માલની હેરફેરમાંથી પણ ૧,૪૭,૦૦૦ કરોડ રૂપિયા મળવાનું અનુમાન કરાયું છે. ૨૦૧૯-૨૦માં માલની હેરફેરથી ૧,૩૫,૦૦૦ કરોડ અને મુસાફરોમાંથી ૫૬૦૦૦ કરોડ રૂપિયા રેલ્વેને મળ્યા હતા. ૨૦૧૩-૧૪માં આ આંકડો ક્રમશઃ ૯૨૦૦૦ કરોડ અને ૩૭૦૦૦ કરોડ રૂપિયા હતો.

જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં રેલ્વેએ ૧૧૩૮ મેલ/એકસપ્રેસ ટ્રેનો ચલાવવાનું શરૂ કર્યુ હતું. તે કુલ ટ્રેનોના લગભગ ૬૫ ટકા ચલાવતી હતી. સબર્બન ટ્રેન સર્વીસની વાત કરીએ તો જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં ૪૮૦૭ ટ્રેનો ચાલુ કરવામાં આવી છે. કોરોના પહેલા રોજની ૫૮૫૧ ટ્રેનો ચાલતી હતી.

ખાસ વાત એ છે કે ૨૫ માર્ચ ૨૦૨૦ના થયેલ લોકડાઉન પછી અત્યાર સુધીમાં રેલ્વેએ જે પણ ટ્રેનો શરૂ કરી છે તે બધીને સ્પેશ્યલ ટ્રેનોનું નામ અપાયું છે. સ્પેશ્યલ ટ્રેનના નામે ભાડુ વધારે (કેટલાય રૂટ પર પાંચ ગણા સુધી) વસૂલાઇ રહયુ છે અને સુવિધાઓ ઘટાડી દેવાઇ છે.

વધારે ભાડુ આપવા છતાં રેલ્વે મુસાફરોને બેડ, બ્લેન્કેટ, પેન્ટ્રી, રીટાયરીંગ રૂમ જેવી સુવિધાઓ તો અપાતી જ નથી. બોગીઓને સેનીટાઇઝ કરવી, જરૂરી સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા જેવી કોરોનાની જરૂરી સૂચનાઓની વ્યવસ્થા નથી કરાતી. ટ્રેનોમાં પેન્ટ્રી સેવા બંધ છે પણ, આઇઆરસીટીસસીના ફેરીયાઓ દ્વારા ટ્રેનોમાં ખાણી પીણીની વસ્તુઓ વેચવાની પરવાનગી અપાઇ છે. ખાવાની વસ્તુઓની ખરાબ ગુણવત્તા અને વધારે ભાવની ફરિયાદો અવારનવાર મુસાફરો કરતા રહે છે.

(3:22 pm IST)