Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કોરોના બાદ હવે ફરી રહસ્યમય બીમારીથી ફફડાટઃ કેનેડામાં મેડ કાઉ ડિસીઝથી પાંચ લોકોના મોત

ઓટાવા,તા.૨:  દુનિયાના કોઈ પણ દેશમાં હજુ સુધી કોરોનાનો કહેર ખતમ નથી થયો. આ દરમિયાન એક રહસ્યમય બીમારીએ આખી દુનિયામાં ડર ફેલાવ્યો છે.

કેનેડામાં બીમારીના ઝપટમાં ૪૦ જેટલા લોકો આવી ગયા હતા. અત્યારસુધી કેનેડામાં આ બીમારીથી પાંચ લોકોનાં મોત થયા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ બીમારી અંગે ડોકટર્સ કે નિષ્ણાતો પાસે કોઈ માહિતી નથી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હાલમાં ડોકટરો આ બીમારીને ફકત મગજના વિકાર સાથે જોડી રહ્યા છે. આવી બીમારીને ક્રુટ્ઝફેલ્ટ-જેકોલ રોગ અથવા CJDના નામથી ઓળખાય છે. કેનેડામાં અનેક નિષ્ણાતો આ બીમારીને મેડ કાઉ ડિસીઝનું નામ પણ આપી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બીમારીનો સૌથી પહેલો કેસ ૨૦૧૫માં સામે આવ્યો હતો. એ સમયે આ બીમારીના પાંચ દર્દી મળ્યા હતા. ગત વર્ષે ૨૪ લોકો આ બીમારીમાં સપડાયા હતા. હવે ૨૦૨૧માં આ બીમારીના કેસ વધી રહ્યા છે. કેનેડાના બર્ટરેન્ડ શહેરના મેયર વોન ગોડિને આ બીમારી અંગે કહ્યુ છે કે, કોરોના પછી લોકો આ પ્રકારની બીમારીથી ખૂબ પરેશાન છે. શરૂઆતના રિપોર્ટમાં સામે આવેલા બીમારીના લક્ષણો પ્રમાણે વ્યકિત વસ્તુઓ ભૂલવા લાગે છે, અચાનક ભ્રમની સ્થિતિમાં ચાલ્યો જાય છે. ન્યૂરોલોજિસ્ટ ડોકટર અલાયર માર્રેનોએ કહ્યુ કે, 'અમારી પાસે એવા પુરાવા નથી કે જે એવું સાબિત કરે કે આ અસામાન્ય પ્રોટીનથી થતી બીમારી છે.' 

આ બીમારીના લક્ષણોમાં દુઃખાવો, મશલ્સ પેઇન વગેરે શામેલ છે. ૧૮થી ૩૬ વર્ષના દર્દીઓને એવા કામ કરવામાં મુશ્કેલી પડવા લાગે છે જેમાં દિમાગનો વધારે ઉપયોગ કરવો પડતો હોય. આ ઉપરાંત દાંત સંબંધિત તકલીફો પણ થવા લાગે છે.

(3:24 pm IST)