Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ઓડિશાના દાબુગામ સ્‍વાસ્‍થ્‍ય કેન્‍દ્રમાં ગુગલમાં સર્ચ કરીને ઇન્‍જેકશન આપતા બાળકનું મોતઃ તબીબની ઘોર બેદરકારી

ભુવનેશ્વર: ઓડિશાના દાબૂગામ સ્વાસ્થ્ય કેન્દ્રમાં ડૉક્ટરોની ઘોર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક ન્યૂમોનિયા પીડિત 6 મહિનાનો માસૂમ મોતને ભેટ્યો છે. હકીકતમાં અહીના એક ડૉક્ટરે ગૂગલ પર સર્ચ કરીને બાળકને ઈન્જેક્શન આપ્યું હતું. જેના કારણે તેનું મોત થઈ ગયું.

આ અંગે બાળકના માતા-પિતા પ્રશાંત બિસોઈ અને અમૃતાનું કહેવું છે કે, 30 માર્ચે તેમના પુત્રની તબીયત ખરાબ થઈ હતી. 31 માર્ચે દાબૂગામ સ્વાસ્થ્ય કેન્દ્રમાં ડોક્ટરી તપાસ માટે લઈ ગયા હતા. પરિવારજનોનો આરોપ છે કે, તેમના બાળકને તપાસનારા ડૉક્ટરે ગૂગલ પર સર્ચ કરીને દવાનું પ્રિસ્ક્રિપ્શન બનાવ્યું હતું.

ઓડિશા ટીવી અનુસાર, બાળકના પિતાએ જણાવ્યું કે, ડૉક્ટરે અમને અમારા બાળકને ઈન્જેક્શન આપવાની સલાહ આપી હતી. તેમણે આ ઈન્જેક્શન ગૂગલ પર સર્ચ કરીને આપ્યું હતું. ઈન્જેક્શન લગાવ્યાના થોડા સમય બાદ તેમના બાળકની આંખો બંધ થઈ ગઈ અને તે મૃત પામ્યો. તેમણે વધુમાં જણાવ્યું કે, ડૉક્ટરોએ બાળકની તબીયત જોઈને પણ અમને કોઈ અન્ય હોસ્પિટલમાં રેફર પણ નહતા કર્યાં, કદાચ ત્યાં એનો જીવ બચાવી શકાયો હોત.

બીજી તરફ સ્વાસ્થ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસર સુભાસિસ સાહૂએ ગૂગલ પર સર્ચ કરીને દવા આપવાના આરોપ ફગાવતા જણાવ્યું કે, કોઈ બેદરકારી દાખવવામાં આવી નથી. બાળકમાં ન્યૂમોનિયાની ગંભીર અસર હતી અને તેને ગંભીર હાલતમાં જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અમારા તરફથી યોગ્ય દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ બાળક આખરી સ્ટેજ પર હતું.

(5:13 pm IST)