Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

બીજી બેઠક પરથી લડવાની વાતનો પીએમ મોદીને મમતાએ આપ્યો જવાબ : કહ્યું સલાહની જરૂર નથી

મમતાએ કહ્યુ, ‘હું તમારી પાર્ટીની સભ્ય નથી જે તમે મને બીજી બેઠક પરથી ચૂંટણી લડવાનું સૂચન આપશો, હું નંદીગ્રામથી ચૂંટણી લડી છું અને ત્યાથી જ જીતીશ.’

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન મોદીના તે કટાક્ષ પર પલટવાર કર્યો છે, જેમાં તે કહી રહ્યા હતા કે મમતા નંદીગ્રામથી હારી રહ્યા છે. મમતાએ એક રેલીમાં ભાર આપીને કહ્યું કે, તે નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી જીતી રહ્યા છે અને તેમણે મોદી પાસેથી કોઇ અન્ય બેઠક પરથી ચૂંટણી લડવાની સલાહ નથી જોઇતી.

   વડાપ્રધાન મોદીએ ગુરૂવારે કહ્યુ હતું કે, મમતા બેનરજીએ આ સ્પષ્ટ કરવુ જોઇએ કે આ અફવાઓમાં કેટલી સચ્ચાઇ છે કે તે અંતિમ તબક્કાની ચૂંટણી માટે કોઇ અન્ય બેઠકથી ઉમેદવારી નોંધાવવા જઇ રહી છે, તેમનું કહેવુ હતું કે તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખે નંદીગ્રામથી હાર સ્વીકારી લીધી છે

મમતા બેનરજીએ ઉત્તર બંગાળના કૂચ બિહાર જિલ્લાના દિનહાટામાં એક ચૂંટણી રેલીમાં કહ્યુ, ‘હું વડાપ્રધાન મોદીને જણાવવા માંગુ છું કે પહેલા પોતાના ગૃહમંત્રીને કાબુમાં કરો, તે બાદ અમને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો. અમે તમારી પાર્ટીના સભ્ય નથી, જે તમે અમને નિયંત્રિત કરી લેશો.’ મમતાએ વધુમાં કહ્યુ, ‘હું તમારી પાર્ટીની સભ્ય નથી જે તમે મને બીજી બેઠક પરથી ચૂંટણી લડવાનું સૂચન આપશો, હું નંદીગ્રામથી ચૂંટણી લડી છું અને ત્યાથી જ જીતીશ.’

આ રેલીથી પોતાની ઉત્તર બંગાળની યાત્રાની શરૂઆત કરનારી મમતા બેનરજીએ કહ્યુ કે, ચૂંટણી પંચ ચૂંટણી નથી કરાવી રહી પણ ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી કરાવી રહ્યા છે. બેનરજીએ કહ્યુ, ‘મારે 200થી વધુ બેઠક જોઇએ, કારણ કે તેનાથી ઓછાનો અર્થ છે કે તે (ભાજપ) ગદ્દારોને ખરીદી લેશે.’

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને ટીએમસી વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. આ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનરજીએ નંદીગ્રામ બેઠક પર દિવસભર રહેવાનું કારણ જણાવ્યુ છે.

મમતા બેનરજીએ ફલાકાતામાં ચૂંટણી રેલીને સંબોધતા કહ્યુ, “શું તમે જાણો છો કે હું કાલે નંદીગ્રામના એક બૂથ પર કેમ ગઇ અને ત્યા બેસી ગઇ? બહારથી આવેલા તમામ ગુંડા બંદૂક સાથે ત્યા જમા થઇ ગયા. તે તમામ કોઇ અન્ય ભાષામાં વાત કરી રહ્યા હતા. ભાજપના લોકો ગુંડા છે.”

નંદીગ્રામ સહિત 30 બેઠકો પર પશ્ચિમ બંગાળમાં ગુરૂવારે મતદાન થયુ હતું. નંદીગ્રામમાં મુખ્યમંત્રી મમતા બેનરજીનો મુકાબલો તેમના જ પૂર્વ સહયોગી અને ભાજપના ઉમેદવાર શુભેંદુ અધિકારી સામે છે.

મમતાએ કહ્યુ કે, કાલે નંદીગ્રામમાં લોકોને ડરાવવામાં આવ્યા. ભાજપના જે ગૃહમંત્રી છે અમિત શાહ તે ડરાવવાનું કામ કરે છે. દરેક વ્યક્તિને ડરાવવા, રમખાણ કરાવવા, હિન્દૂ-મુસ્લિમ વચ્ચે ભાગલા પાડવાનું તેમનું કામ છે. મમતાએ કહ્યુ કે, સેન્ટ્રલ પોલીસના લોકો તમને ડરાવશે. તે ગામમાં જાય છે અને વોટરોને કહે છે કે ભાજપને મત આપો, તેમણે કહ્યુ કે ભાજપના લોકો મારાથી ડરી ગયા છે. આસામથી અને બીજા રાજ્યમાંથી ગુંડા અહી આવીને રમખાણ કરાવવાના પ્રયાસમાં છે પરંતુ હું તેમને સફળ નહી થવા દઉં

(7:26 pm IST)