Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ભારતમાં રોજ કોરોનાના નવા એક લાખ દર્દી સામે આવવાની શક્યતા

સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલી એજન્સીઓનું ચોંકાવનારૃં અનુમાન : સ્વાસ્થ્ય એજન્સી, સરકારની ચિંતા વધી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો દેશના તમામ રાજ્યોને વધારેને વધારે ટેસ્ટિંગ તેમજ રસીકરણ વધારવા માટે નિર્દેશ

નવી દિલ્હી, તા. ૨ : દેશમાં રોજ જે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા હવે સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલી એજન્સીઓએ ચોંકાવનારુ અનુમાન લગાવ્યુ છે.

જે પ્રમાણે આગામી દિવસોમાં ભારતમાં રોજ કોરોનાના નવા એક લાખ દર્દીઓ સામે આવે તેવી શકયતા છે.છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવે તો કોરોનાથી વધુ ૮૧૦૦૦ લોકો સંક્રમિત થયા છે.જેના પગલે સ્વાસ્થ્ય એજન્સીઓ અને સરકારની ચિંતા વધી રહી છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના તમામ રાજ્યોને વધારેને વધારે ટેસ્ટિંગ રકવા માટે તેમજ રસીકરણ વધારવા માટે નિર્દેશ આપ્યો છે.

આ પહેલા ગયા ઓક્ટોબર મહિનામાં એવુ થયુ હતુ કે, રોજ ૮૧૦૦૦ કરતા વધારે દર્દીઓ કોરોનાના સપાટામાં આવતા હોય પણ એ પછી તેમાં ઘટાડો થવા માંડ્યો હતો.જોકે નવી લહેરમાં જે રીતે દર્દીઓ વધી રહ્યા છે તે જોતા સ્વાસ્થ્ય મંત્રાલયના નિષ્ણાતોનુ અનુમાન છે કે, રોજ એક લાખ કરતા વધારે નવા દર્દીઓ સામે આવી શકે છે.

આ માટે કોરાના વાયરસની વધેલી મારક ક્ષમતા અને લોકોની બેદરકારી જવાબદાર બનશે.ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના ડોક્ટર સમીરન પાંડાના મતે લોકોએ હાલમાં વધઆરે એલર્ટ રહેવાની જરુર છે.કારણકે આ વાયરસ ખતરનાક સ્વરુપ ધારણ કરી રહ્યો છે.જે રીતે નવા કેસ સામે આવી રહ્યા છે તે જોતા હવે દર્દીઓનો આંકડો વધી શકે છે.

કોરોનાના ૮૦ ટકા દર્દીઓ પાંચ રાજ્યોમાંથી છે.જેમાં મહારાષ્ટ્ર, કેરલ કર્ણાટક છત્તીસગઢ અને પંજાબનો સમાવેશ થાય છે.બીજી તરફ અરુણાચલ પ્રદેશ, આસામ, આંદામાન નિકોબાર, મિઝોરમ, સિકિક્મ, લદ્દાખ અને નાગાલેન્ડ તથા ત્રિપુરામાં કોરોનાથી કોઈ મોત થયુ નથી. દેશમાં હાલમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો ૧.૨૩ કરોડથી વધી ચુક્યો છે.

(8:17 pm IST)