Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

મુંબઇ અંબાણી બૉમ્બ ધમકી ઝડપાયેલા સચિન વઝે ફાઈવ સ્ટાર હોટલમાંથી ખંડણી ઉઘરાવવાનું કામ કરતો હતો : એન.આઈ.એ

હોટલમાં રોકાવા માટે નકલી ઓળખપત્રનો ઉપયોગ કરતો હતો : એક બિઝનેસમેનની મદદથી ૧૦૦ દિવસ માટે ૧૨ લાખમાં હોટલનો રૂમ બુક કર્યો હતો

અંબાણી બૉમ્બ ધમકી કેસમાં ઝડપાયેલા સચિન વજેને ફાઈવ સ્ટાર હોટલ માંથી ખંડણી ઉઘરાવવાનું કામ કરતો હોવાનું એન આઈ એ દ્વારા પૂછપરછમાં ખુલ્યું છે 

અંબાણી બોમ્બ કેસ અને મનસુખ હિરેનના મોત મામલે ધરપકડ કરાયેલા સચિન વઝેને લઇને એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યુ કે, સચિન વઝે મુંબઇમાં નરીમન પોઇન્ટ સ્થિત ફાઇવ સ્ટાર હોટલમાંથી બળજબરી વસૂલીનું રેકેટ ચલાવતો હતો. આ હોટલમાં એક બિઝનેસમેનની મદદથી તેણે 100 દિવસ માટે 12 લાખ રૂપિયામાં હોટલનો રૂમ બુક કર્યો હતો. હોટલમાં રોકાવા માટે સચિન વઝેએ ઓળખ પત્ર તરીકે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો.

આ મામલે NIAએ સચિન વઝેના સંપર્કમાં રહેનારા 35 પોલીસ અધિકારીઓની પૂછપરછ કરી છે. NIAના અધિકારીએ જણાવ્યુ કે, તેમાં ડેપ્યુટી કમિશનર રેન્ક સુધીના અધિકારી સામેલ છે, જેમાંથી કેટલાક પોલીસ કર્મીઓના નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક અધિકારીઓની ભવિષ્યમાં અટકાયત કરવામાં આવી શકે છે.

NIAની તપાસમાં ખબર પડી છે કે સચિન વઝે હોટલના રૂમ નંબર 1964થી રેકેટ ચલાવતો હતો. હોટલમાં રોકાવા માટે તેણે સુશાંત સદાશિવ ખામકરના નામના આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો. એક બિઝનેસમેને હોટલનો આ રૂમ 12 લાખ રૂપિયામાં 100 દિવસ માટે બુક કરાવ્યો હતો. કહેવામાં આવી રહ્યુ છે કે સચિન વઝે કેટલાક વિવાદિત કેસમાં આ બિઝનેસમેનની મદદ કરતો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સીના સીનિયર અધિકારીએ આ વાતનો ખુલાસો કર્યો છે, તેમણે કહ્યુ કે હોટલમાં બુકિંગ ટ્રાવેલ એજન્ટની મદદથી કરવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં જ્યારે સચિન વઝે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાં હતો, ત્યારે આ હોટલમાં રોકાયો હતો.

NIAના સીનિયર અધિકારીએ જણાવ્યુ કે સચિન વઝે 16 ફેબ્રુઆરીએ હોટલમાં ઇનોવા કારથી આવ્યો હતો અને 20 ફેબ્રુઆરીએ લેન્ડ ક્રૂઝરમાં બહાર નીકળ્યો હતો. આ બન્ને ગાડીઓને રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જપ્ત કરી છે. સચિન વઝેની હોટલમાં રોકાવાની આ તારીખ, તે ઘટનાઓ સાથે મેળ ખાય છે જ્યારે સચિન વઝે અને તેની ટીમે મુંબઇમાં લાઇસન્સ ઉલ્લંઘનને લઇને કેટલીક સંસ્થાઓ ઉપર રાત્રે રેડ કરી હતી. મહત્વપૂર્ણ છે કે મુકેશ અંબાણી ધમકી અને મનસુખ હિરેનના મોત મામલે સચિન વઝે ધરપકડ બાદ NIAની કસ્ટડીમાં છે.

(8:28 pm IST)