Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

તમિલનાડુની ચૂંટણી સભા પૂરી કરી રોડસાઈડની હોટલમાં સામાન્ય માનવી તરીકે પાંદડા ઉપર ભોજન લઇ અમિતભાઈએ સૌને આશ્ચર્યચકિત કર્યા: તામિલનાડુની માતાઓ અને બહેનોને હાકલ કરી કે ડીએમકેને પાઠ ભણાવો: ત્યાં મહિલાઓ પ્રત્યે કોઈ આદર નથી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પાંચ રાજ્યોની ચૂંટણીમાં જનસભાઓ ગજવી રહ્યા છે ત્યારે આજે ગુરુવારે તમિલનાડુના પ્રવાસ દરમિયાન રાત્રે અચાનક તેઓ રોડસાઈડની એક હોટલમાં આવી પહોંચ્યા અને પાંદડા ઉપર  ડિનર લીધું. તેમણે સામાન્ય માણસની જેમ જ ત્યાં ભોજન કર્યું અને તેમની સાથે રાષ્ટ્રીય મહાસચિવ અને તમિલનાડુ પ્રભારી સિટી રવિ પણ ઉપસ્થિત હતા.

નોંધનીય છે કે ગુરુવારે તેમણે બે રાજ્યોમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. પૂડુંચેરીમાં રોડશો અને રેલી કર્યા બાદ તેઓ તમિલનાડુ પહોંચ્યા જ્યાં તેમણે જનસભા અને રોડ શો કર્યા. આખા દિવસના વ્યસ્ત કાર્યક્રમ બાદ તેઓ રાત્રે એક સામાન્ય માણસની જેમ હોટલમાં પહોંચ્યા હતા. તમિલનાડુના કૃષ્ણરાયપુરમમાં આવેલ એક રોડ સાઈડની હોટલમાં તેમણે ભોજન કર્યું.

અમિત શાહે તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામીની માતા વિરુદ્ધ ડીએમકે નેતા એ રાજા દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ડીએમકે પર નિશાન સાધ્યું હતું. અમિતભાઈએ કહ્યું હતું કે  રાજાના નિવેદનથી સ્પષ્ટ છે કે તેમની પાર્ટી મહિલાઓનું સન્માન નથી કરતી. શાહે અહીં એક ચૂંટણી સભાને સંબોધન કરતાં DMK પર ગમે તે રીતે ચૂંટણી જીતવાની ઇચ્છા હોવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યું, 'મેં ડીએમકે નેતા એ રાજાનું નિવેદન જોયું. તેમણે સદગત મહિલા સામે જે પ્રકારનું નિવેદન આપ્યું છે, તે જોઈ મને લાગે છે કે તેમની અંદર મહિલાઓ પ્રત્યે કોઈ આદર નથી અને તેઓ કોઈપણ કિંમતે આ ચૂંટણી જીતવા માંગે છે. ' ભાજપ નેતાએ કહ્યું કે, 'અગાઉ પણ ડીએમકેએ જયલલિતાજી (દિવંગત મુખ્ય પ્રધાન) વિરુદ્ધ આવી ખરાબ ટિપ્પણીઓ કરી હતી. હું તમિલનાડુની માતાઓ અને બહેનોને ચૂંટણીમાં મહિલા વિરોધી ડીએમકે ને પાઠ ભણાવવાની અપીલ કરું છું. '

અમિતભાઈએ કથિત ભ્રષ્ટાચાર અને રાજવંશના રાજકારણ માટે કોંગ્રેસ અને ડીએમકે ઉપર પણ નિશાન સાધ્યું હતું.

(10:39 pm IST)