Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

તારી સાથે પણ મૂસેવાલા જેવું કરીશું

સાંસદ સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામથી ધમકી

સંજય રાઉતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પુણે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી

મુંબઈ, તા.૧: ઉદ્ધવ જૂથના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામથી જાનથી મારવાની ધમકી મળી છે. ત્યારપછી રાઉતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ધમકી આપનારાએ રાઉતને મેસેજ કરી કહ્યું કે તારી જોડે પણ મૂસેવાલા જેવું કરીશું. આ મેસેજમાં રાઉતને હિન્દૂ વિરોધી કહી અપશબ્ધો પણ બોલ્યા હતા. આ કેસમાં પુણે પોલીસે ગત રાત્રે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી અને મુંબઈ પોલીસને સોંપી દીધો છે.

લોરેન્સ બિશ્નોઈના નામથી મળેલી ધમકીમાં કહેવાયું હતું કે તું દિલ્હીમાં મળ્યો તો તને એકે ૪૭થી ઉડાવી દઈશું. મુસેવાલા જેવું કરીશું તારા સાથે પણ..લોરેન્સ તરફથી આ મેસેજ મોકલાયો છે. સલમાન અને તુ ફિક્સ જ છો તૈયારી કરીને રાખજો. આ ધમકી પછી રાઉતે પોલીસને લેટર લખી જાણકારી આપી છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં પણ રાઉતને જાનથી મારવાની ધમકી મળી હતી. ત્યારે તેણે દાવો કર્યો હતો કે આ ધમકી કન્નડ રક્ષણ વેદિકા નામના સંગઠને આપી હતી.

થોડા દિવસો પહેલા લોરેન્સ ગેંગ તરફથી બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને ફરીથી ધમકી મળી હતી. ત્યારપછી કેસ દાખલ કર્યા પછી મુંબઈ પોલીસે તેની સુરક્ષામાં વધારો કર્યો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી પહેલા પણ સલમાનને ધમકી મળી અને તેના પર હુમલાનું પ્લાનિંગ કર્યું હતું. ગત સપ્તાહે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડના નામ પર લખનઉની ફેમસ જ્વેલરી શોપ પાસે પણ રૂપિયા માગવામાં આવ્યા હતા. તેના નંબર પર વ્હોટ્સએપ કોલ આવેલો અને ૩૦ લાખ રૂપિયા માગ્યા હતા.

સંજય રાઉત આજે મહારાષ્ટ્રની રાજનીતિનો મોટો ચહેરો છે. ઉદ્ધવ ઠાકરેના નજીકના નેતાઓમાં તેમનું નામ સામેલ છે. ૮૦ના દાયકામાં તેઓ મુંબઈમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરતા હતા. લોકપ્રભા પત્રિકાથી તેમને કારકિર્દીની શરૂઆત કરી અને રાઉતને અંડરવર્લ્ડ રિપોર્ટિંગનો ખાસ માનવામાં આવતો હતો. દાઉદ ઈબ્રાહિમ, છોટા રાજન અને અંડરવર્લ્ડ પર તેણે જે રિપોર્ટ લખ્યા છે એ પણ ઘણા ચર્ચિત રહ્યા હતા.

ત્યારપછી બાલાસાહેબ ઠાકરેએ રાઉતને શિવસેનાના મુખપત્ર સામનાનો કાર્યકારી સંપાદક બનાવી દીધો હતો. ત્યારપછી શિવસેનાના પ્રવક્તા બન્યો અને રાજ્યસભા સુધી પહોંચ્યો હતો.

(11:42 pm IST)