Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

સંગમ નગરી પ્રયાગરાજમાં ભીષણ આગની ઘટના

પ્રયાગરાજના એક કોમ્પલેક્સમાં આગથી ૫૦ દુકાન બળીને ખાક

સાવચેતીના ભાગ રૂપે નજીકની દુકાનોને ખાલી કરાવવામાં આવી, આગની ભયાનક ઘટનાને પગલે ચકચાર મચી ગઈ

પ્રયાગરાજ, તા.૧: કાનપુર બાદ શનિવારે સંગમ નગરી પ્રયાગરાજમાં ભીષણ આગ લાગી ગઈ હતી. કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ચોક વિસ્તારમાં પોલીસ ચોકી ઘંટાઘરની સામે આવેલા નેહરુ કોમ્પ્લેક્સમાં સવારે અચાનક આગ ફાટી નીકળી હતી.

કપડાની દુકાનમાં લાગેલી આગ ધીમે ધીમે ડઝનો દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. કપડાની દુકાનોથી માંડીને ફૂટવેર, કોસ્મેટિક અને પ્રમોશનલ મટિરિયલની દુકાનોમાં આગ લાગી ગઈ હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ નેહરુ કોમ્પ્લેક્સની ૪૦થી ૫૦ દુકાનોમાં ફેલાઈ ગઈ હતી.

આગ લાગ્યાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડની ૨૦ ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લેવાયા બાદ પણ અંદરથી આગ ભભૂકી રહી છે.

આ ઉપરાંત આગ બુઝાવવા માટે મહાનગરપાલિકાના જેસીબી મશીનોને પણ સ્થળ પર લાવવામાં આવ્યા છે. જેની મદદથી આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

બીજી તરફ સાવચેતીના ભાગ રૂપે નજીકની દુકાનોને પણ ખાલી કરાવવામાં આવી રહી છે. આગની ભયાનક ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. પોતાની નજર સામે દુકાન સળગતી જોઈને દુકાનદારો પોતાના આંસુ રોકી શકતા નથી. જો કે સીએફઓ ડો.રાજીવ કુમાર પાંડે પણ સ્થળ પર હાજર છે અને આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે, પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ઘણા વર્ષો પહેલા ચોક વિસ્તારમાં નેહરુ કોમ્પ્લેક્સ નામની ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગ બનાવી હતી. પરંતુ આમાં ફાયર ફાઈટિંગના ધોરણોનું પાલન કરવામાં આવ્યું ન હતું. જેના કારણે અહીં આગની અનેક ઘટનાઓ બની ચૂકી છે. આ કોમ્પલેક્સમાં ૨૧૦ જેટલી દુકાનો છે. જેમાંથી ૫૦ દુકાનોમાં આગ ફેલાઈ ચૂકી છે અને કરોડોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. દુકાનદારોએ પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી અને વહીવટીતંત્ર પર પણ બેદરકારીનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ સીએફઓ ડો. રાજીવ કુમાર પાંડેના જણાવ્યા પ્રમાણે આગ લગભગ કાબૂમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ સંપૂર્ણપણે બુઝાઈ જશે. તેમણે કહ્યું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. પરંતુ સમગ્ર મામલાની તપાસ બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

(11:53 pm IST)