Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

એક સાથે ત્રણ ઋતુ ક્લાઈમેટ ચેન્જને લીધે જોવા મળે છે

મોસમ વિનાના વરસાદથી મોટી કુદરતી આફતોની શક્યતા

કમોસમી વરસાદના લીધે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં લગભગ ૨ હજાર કરોડનું નુકસાન થયું

નવી દિલ્હી, તા.૧: હવામાન વૈજ્ઞાનિક અને કૃષિ-નિષ્ણાતોનું કહેવુ છે કે માર્ચ મહિનામાં જે રીતે ગરમી, ઠંડી અને વરસાદ એમ ત્રણેય ઋતુઓ જોવા મળી છે તે ક્લાઈમેટ ચેન્જના કારણે થઈ છે. મોસમ વિના વરસાદ પડવો પર્યાવરણની ચેતવણી છે કે પર્યાવરણ સુરક્ષાની તરફ જો મનુષ્યએ હજુ પણ ધ્યાન ના આપ્યુ તો ઘણી કુદરતી આફતો જન્મ લઈ શકે છે. ક્લાઈમેટ ચેન્જ અને તાપમાન વૃદ્ધિના કારણે મોસમ વિના વરસાદ અને અચાનક ઠંડી પડી રહી છે.

કમોસમી વરસાદે ઉત્તર ભારતના રાજ્યોને ખરાબ રીતે અસર કરી છે. આનાથી ઘણા રાજ્યોમાં કાપણી માટે તૈયાર લાખો હેક્ટર પાક નાશ પામ્યો. એક અનુમાન અનુસાર યુપી, હરિયાણા અને પંજાબમાં લગભગ ૨ હજાર કરોડનું નુકસાન થયુ છે. આઈએમડી અનુસાર માર્ચના મહિનામાં ગરમી બાદ અચાનક વરસાદ અને ઠંડી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છે.

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા બાદ દિલ્હી-એનસીઆર સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં હવામાન બદલાયુ છે. આશ્ચર્યજનક રીતે માર્ચ મહિનામાં છ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ભારતના હવામાનને અસર કરી. ઘણી હવામાન પ્રણાલીઓ, ચક્રવાત પરિભ્રમણ, વાતાવરણમાં ફરતા પવનો અને વાતાવરણના સૌથી નીચલા સ્તરની હિલચાલ પણ હવામાનમાં ફેરફાર માટે જવાબદાર છે.સમગ્ર દુનિયામાં જેટલી ઝડપથી ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યુ છે તે માટે માનવી જ જવાબદાર છે. અનિયંત્રિત એર કન્ડીશનીંગ સાધનોનો ઉપયોગ, તેલ, ગેસ અને કોલસાનો વધુ પડતો ઉપયોગ આબોહવા પર પ્રતિકૂળ અસર કરે છે.

નિષ્ણાતોનો દાવો છે કે ૧૯મી સદીની તુલનામાં પૃથ્વીનુ તાપમાન લગભગ ૧.૨ ડિગ્રી સેલ્સિયસ વધી ચૂક્યુ છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં પણ ૪૦ ટકા સુધીનો વધારો થયો છે. જો આપણે ક્લાઈમેટ ચેન્જના દુષ્પરિણામોથી બચવુ હશે તો તાપમાન વૃદ્ધિના કારણોને નિયંત્રિત કરવા માટે નક્કર પગલા ઉઠાવવા પડશે જેથી પૃથ્વીની તાપમાન વૃદ્ધિ ઓછી થાય. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે ગ્લોબલ વોર્મિંગને ૨૧૦૦ સુધી ૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી જાળવી રાખવાની જરૂર છે. જો આ દિશામાં નક્કર પગલા ઉઠાવવામાં નહીં આવે તો સદીના અંત સુધી પૃથ્વીનું તાપમાન ૨ ડિગ્રી સેલ્સિયસ કરતા વધી શકે છે. જો પૃથ્વીનું તાપમાન આ જ રીતે વધતુ રહ્યુ તો અમુક વિસ્તાર નિર્જન થઈ શકે છે. ખેતરો રણ પ્રદેશમાં પરિવર્તિત થઈ શકે છે. અમુક વિસ્તારોમાં કમોસમી ભારે વરસાદના કારણે પાકનો નાશ થઈ જશે અને પૂર આવી શકે છે. ક્લાઈમેટ ચેન્જ પર આઈપીસીસી રિપોર્ટ માનવતા માટે ખતરાની ઘંટી છે. તાપમાન વૃદ્ધિથી મહાસાગરો અને તેના જીવતંત્ર પર પણ જોખમ મંડરાઈ રહ્યુ છે.

ભૂસ્તરશાસ્ત્રીય રેકોર્ડ જણાવે છેકે ઘોર માનવીય બેદરકારી સાથે-સાથે પ્રાકૃતિક કારણોથી પણ ક્લાઈમેટમાં ઘણા મોટા પરિવર્તન થયા છે. જેમાં જ્વાળામુખીઓ સાથે ઉત્સર્જન, પૃથ્વીની ભ્રમણકક્ષામાં ભિન્નતા, સૂર્યમાં આંશિક ફેરફારો અને કાર્બન ડાયોક્સાઇડનું વધતું સ્તર સામેલ છે.

(1:05 am IST)