Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

સિદ્ધુએ જેલમાંથી બહાર આવતાની સાથે જ કહ્યું

અહીં લોકશાહી જેવું કશું બચ્યું નથી : નવજોત સિદ્ધુ : પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર છે લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે

પટિયાલા,: કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને પટિયાલા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રોડ રેજ કેસમાં તેઓ છેલ્લા ૧૦ મહિનાથી જેલમાં હતા. જેલમાંથી બહાર આવીને સિદ્ધુએ જમીનને સ્પર્શ કર્યો. ઉલ્લેખનીય છે કે સવારથી જ સિદ્ધુની મુક્તિને લઈને ચર્ચા ચાલી રહી હતી, જેના કારણે મીડિયા અને તેમના સમર્થકો જેલની બહાર એકઠા થઈ ગયા હતા.

જેલમાંથી બહાર નીકળતી વખતે સિદ્ધુએ નેવી બ્લુ રંગની પાઘડી અને કુર્તો પહેર્યો હતો જ્યારે તેમણે સ્કાય બ્લુ જેકેટ પહેર્યું હતું. સિદ્ધુએ જેલમાંથી બહાર આવતાની સાથે જ કહ્યું, અહીં લોકશાહી જેવું કશું બચ્યું નથી. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર છે. લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જો તમે પંજાબને નબળું પાડવાના પ્રયાસ કરશો તો તમે પોતે જ નબળા પડી જશો.

સિદ્ધુએ કહ્યું, 'મને બપોર આસપાસ છોડવામાં આવવાનો હતો પરંતુ તેમણે તેમાં વિલંબ કર્યો. તેઓ ઇચ્છતા હતા કે મીડિયાકર્મીઓ ત્યાંથી જતા રહે. આ દેશમાં જ્યારે પણ સરમુખત્યારશાહી આવી છે ત્યારે ક્રાંતિ પણ આવી છે અને આ વખતે એ ક્રાંતિનું નામ છે રાહુલ ગાંધી. તે સરકારને હચમચાવી નાખશે. સિદ્ધુએ કહ્યું, 'હું બંધારણને મારું પુસ્તક માનું છું, સરમુખત્યારશાહી થઈ રહી છે. જે સંસ્થાઓ બંધારણની તાકાત હતી, તે સંસ્થાઓ આજે ગુલામ બની ગઈ છે. હું ગભરાતો નથી, હું મૃત્યુથી ડરતો નથી કારણ કે હું જે પણ કરું છું તે પંજાબની આગામી પેઢી માટે કરી રહ્યો છું.

નવજોત સિંહ સિદ્ધુને ૧૯૯૦ના રોડ રેજ કેસમાં ૧૯ મે ૨૦૨૨ના રોજ કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી. જે બાદ તેમને પટિયાલા જેલમાં રાખવામા આવ્યા હતા. પરંતુ ૪૮ દિવસ પહેલા તેઓને જેલમાંથી મુક્ત કરાયા હતા.

જેલના નિયમો અનુસાર કેદીઓને દર મહિને ૪ દિવસની રજા આપવામાં આવે છે. એક વર્ષની સજા દરમિયાન સિદ્ધુએ એક પણ દિવસની રજા લીધી ન હતી, જેના કારણે તેમને વહેલા મુક્ત કરવામાં આવ્યા હતા.

 

(11:32 am IST)