Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

વ્‍હિસ્‍કીની સૌથી મોટી બોટલની ૧૪.૫૧ કરોડમાં લિલામી થશે

જે સામાન્‍ય માનવીના કદ કરતા પણ મોટી છે

લંડન,તા. ૨ : વિશ્વની સૌથી મોટી વિક્રમી ૩૧૧ લિટર જેટલો ૩૨ વર્ષ જૂનો મેકલન સ્‍કોચ ભરેલી સ્‍કોચ વ્‍હિસ્‍કીની બોટલ જે સામાન્‍ય માનવીના કદ કરતાં પણ મોટી છે એની લિલામી થઈ રહી છે. આવતા મહિને એડિનબર્ગ સ્‍થિત લિયોન એન્‍ડ ટર્નબુલ ખાતે વેચાણ માટે જનારી ૪૪૪ સ્‍ટાન્‍ડર્ડ કદની બોટલના સમકક્ષ પીણું ધરાવતી ઇન્‍ટ્રીપીડની બોટલ ૧૫ લાખ પાઉન્‍ડ (લગભગ ૧૪.૫૧ કરોડ રૂપિયા)માં વેચાઈને અત્‍યાર સુધીની સૌથી મોંઘા ભાવે વેચાયેલી વ્‍હિસ્‍કીમાં સ્‍થાન પામે એવી આશા છે.

ઇન્‍ટ્રીપીડની લિલામીની કાર્યવાહી હાથ ધરનારા લિયોન એન્‍ડ ટર્નબુલના કોલિન ફ્રેઝરે જણાવ્‍યું હતું કે આ લિલામીમાં લોકો વૈશ્વિક સ્‍તરે રસ લેશે એની મને ખાતરી છે. ઊંચી બોલી લગાવનારા બિડર્સ સ્‍કોચ વ્‍હિસ્‍કીની ખરીદીનો એક હિસ્‍સો બનશે તથા વિશ્વની શ્રેષ્ઠ ડિસ્‍ટિલરીમાં સ્‍થાન પામતા ૩૨ વર્ષ જૂના સિંગલ માલ્‍ટ સ્‍કોચના મેકલનના માલિક બનશે.

ગયા વર્ષે બોટલમાં વ્‍હિસ્‍કી ભરવામાં આવ્‍યો ત્‍યારે જ ઇન્‍ટ્રીપીડની બોટલને ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાન મળ્‍યું હતું. લિલામીકર્તાઓએ જણાવ્‍યા અનુસાર ૧૩ લાખ પાઉન્‍ડ (લગભગ ૧૨.૪૮ કરોડ રૂપિયા)થી વધુ જે પણ રકમ મળશે એની ૨૫ ટકા રકમ મેરી ક્‍યુરી ચેરિટીને દાન આપવામાં આવશે.

૩૨ વર્ષ સુધી મેકલેનના સ્‍પાયસાઇડ વેરહાઉસમાં બે પીપડામાં પરિપક્‍વ થયા પછી, આ વિશિષ્ટ પ્રવાહીને ગયા વર્ષે અગ્રણી સ્‍વતંત્ર વ્‍હિસ્‍કી બોટલિંગ કંપનીઓમાંની એક ડંકન ટેલર સ્‍કોચ વ્‍હિસ્‍કી દ્વારા બોટલમાં રેડવામાં આવ્‍યું હતું. રેકોર્ડ-બ્રેકિંગ બોટલ ભરવા માટે ઉપયોગમાં લેવાયેલા પીપડામાંથી બચેલી બાકીની  ૩૨ વર્ષ જૂની મેકલન વ્‍હિસ્‍કીની બોટલોના થોડા સેટ્‍સ પણ બનાવવામાં આવ્‍યા હતાં, જેમાં પ્રત્‍યેકમાં ૧૨ બોટલનો સંગ્રહ હતો. દરેક સેટમાં પ્રોજેક્‍ટ સાથે સંકળાયેલા દરેક સંશોધકોને સમર્પિત વ્‍યક્‍તિગત સંસ્‍કરણો સાથે મુખ્‍ય બોટલની ડિઝાઇનની પ્રતિકૃતિનો સમાવેશ છે.

(11:21 am IST)