Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કોરોનાની રસી ફરજીયાત લગાવી શકાય નહીં : રસી ન લીધી હોય તેમને જાહેર જગ્યાએ જવા ઉપર પ્રતિબંધ પણ યોગ્ય નથી : રસી લેવાથી થતી આડઅસરોથી પણ લોકોને જ્ઞાત કરવા જરૂરી : સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે આજરોજ સોમવારે કહ્યું કે કોઈ પણ વ્યક્તિને બળપૂર્વક કોરોના સામે રસી આપી શકાય નહીં. કોર્ટે કહ્યું કે જે લોકોને રસી આપવામાં આવી નથી તેમના બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવો પણ યોગ્ય નથી.

દેશમાં ઘણા લોકો કોરોનાની રસી લેતા અચકાય છે. એવા પણ ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે લોકો રસીકરણ ન કરાવવા અંગે આરોગ્ય કર્મચારીઓ સાથે ઝઘડો કરતા જોવા મળ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે આના પર કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિને બળજબરીથી રસી અપાવી શકાય નહીં. કોર્ટે કહ્યું કે કોઈપણ વ્યક્તિને રસી અપાવવા માટે દબાણ કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે કેટલાક રાજ્યો અને સંસ્થાઓએ એવા લોકો પર પ્રતિબંધ લાદ્યો છે કે જેમણે રસી નથી અપાવી તે જાહેર સ્થળોએ આવવા પર પ્રતિબંધ લાદ્યો છે. આ નિયંત્રણો સારા નથી અને વર્તમાન પરિસ્થિતિમાં તેને પાછા ખેંચી લેવા જોઈએ.

આ સાથે કોર્ટે કેન્દ્ર સરકારને રસી લેવાની આડઅસર વિશે જણાવવાનો પણ આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે સરકારે લોકોને જણાવવું જોઈએ કે રસી લીધા પછી કયા ખોટા લક્ષણો જોવા મળે છે અને તેના કારણે કયા જોખમો થવાની આશંકા છે.

સુપ્રિમ કોર્ટે આ આદેશ કોરોનાની રસી મેળવવાને ફરજિયાત બનાવતા કેટલાક નિર્ણયો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી દરમિયાન આપ્યો હતો. જોકે, સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની રસીકરણ નીતિ ખોટી કે મનસ્વી નથી. કોર્ટે કહ્યું કે જે રીતે દેશમાં કોરોના વાયરસનો ખતરો ઉભો થયો હતો, તે સ્થિતિમાં રસીકરણની નીતિ યોગ્ય હતી. પરંતુ રસી અપાવવા માટે કોઈ પર દબાણ કરી શકાય નહીં.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:55 am IST)