Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

અક્ષય તૃતીયાના અવસર પહેલા બુલિયનમાં દબાણ : સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો

યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો અને ડોલરની મજબૂતીના કારણે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાઇ

નવી દિલ્હી :વૈશ્વિક બજારના દબાણ હેઠળ અક્ષય તૃતીયા અને લગ્નની સિઝન હોવા છતાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું આજના કારોબારમાં 51 હજારની આસપાસ વેચાઈ રહ્યું છે. આજે સવારે મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર 24 કેરેટ સોનાની વાયદાની કિંમત 1.21 ટકા ઘટીને 51,128 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. આ દરમિયાન સોનું ગઈકાલના ભાવથી 626 રૂપિયા સસ્તું થયું હતું. અગાઉ કારોબારની શરૂઆતમાં સોનાના વાયદાની કિંમત 51,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલી હતી. છેલ્લા કેટલાક સત્રોથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પાછળનું કારણ યુએસ ફેડ રિઝર્વ તરફથી વ્યાજદરમાં વધારો કરવાનો સંકેત છે.

 

સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સવારે MCX  પર ચાંદીનો વાયદો રૂ. 911 ઘટીને રૂ. 62,645 પ્રતિ કિલોગ્રામ થયો હતો. ચાંદી ગઈકાલના ભાવથી લગભગ 1.43 ટકા સસ્તી થઈ છે. આજના કારોબારમાં ચાંદી 62,685 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખુલી હતી. વૈશ્વિક બજારમાં પણ ચાંદીના ભાવ પર ખાસ અસર જોવા મળી રહી છે.

યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો અને ડોલરની મજબૂતીના કારણે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે. આજના શરૂઆતના વેપારમાં, સોનાની હાજર કિંમત $1,886.25 પ્રતિ ઔંસ પર પહોંચી અને તેના ભાવ 0.61 ટકા ઘટ્યા હતા. એ જ રીતે, ચાંદીના ભાવમાં પણ નરમાઈ જોવા મળી હતી અને તે 0.60 ટકા ઘટીને 22.65 ટકા પ્રતિ ઔંસ થઈ હતી.

(2:02 pm IST)