Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

દારૂના નશામાં ચુર મહિલા અધિકારીએ મચાવી ધમાલ, વીડિયો થયો સોશ્‍યલ મીડિયા પર વાયરલ

દેવીપાટણ મંડળના મહિલા અધિકારીએ પોલીસે પોતાના હોદ્દાનો રૂબાબ બતાવ્‍યોઃ કહ્યું: મંડળ સ્‍તરની અધિકારી છું, કમિશનર સાથે વાત કરીશ

બહરાઇચઃ દેવીપાટણ મંડળની મહિલા અધિકારીનો એક વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તે મહિલા અધિકારી દારૂના નશામાં ચુર જોવા મળે છે અને સ્‍થાનિક પોલીસને પોતાના હોદ્દાનો ધોંસ દેખાડતી નજરે પડે છે અને પોલીસકર્મીઓ સાથે ગેરવર્તણુંક કરતી જોવા મળે છે. જેમાં તે કહે છે કે, મંડળ સ્‍તરીય અધિકારી છું, જિલ્લા સ્‍તરની નહિ, કમિશનર સાથે વાત કરી લઇશ.

દેવીપાટણ મંડળના એક અધિકારીનો કથિત રીતે નશામાં ધૂત થઈને ધમાલ મચાવવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ બહરાઈચના મહિલા પોલીસકર્મી આગળ પોતાનો રૂઆબ દેખાડતા જોવા મળી રહ્યા છે. જે કહે છે કે મંડળ સ્તરીય અધિકારી છું, જિલ્લા સ્તરની નહીં, કમિશનર સાથે વાત કરીશ. જે મહિલાનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે તે કથિત રીતે દેવીપાટણ મંડળના આસિસ્ટન્ટ લેબર કમિશનર રચના કેસરવાની છે.

આ વીડિયો રવિવાર બપોરથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે વાયરલ થઈ રહેલો આ વીડિયો બહરાઈચ જિલ્લાના પોલીસમથક જરવલ રોડ વિસ્તારનો છે. જેમાં એક મહિલા નશામાં ધૂત થઈને મહિલા પોલીસકર્મી તથા અન્ય પોલીસકર્મીઓ સાથે ચર્ચામાં ઉતરી પડી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલા અધિકારીને પોલીસકર્મી કારની પાછળની સીટ પર બેસાડવાની કોશિશ કરી રહ્યા છે. પણ નશામાં ચૂર મહિલા પોતાને મંડળ સ્તરની અધિકારી ગણાવીને કમિશનર સાથે વાત કરવાનો રૂઆબ બતાવી રહી છે. જરવલ રોડના પોલીસ સ્ટેશન ઈનચાર્જ રાજેશકુમાર સિંહે કહ્યું કે ગત 27 એપ્રિલના રોજ મહિલા અધિકારી પોતે ગાડી ચલાવીને લખનઉથી પોતાની ઓફિસ ગોન્ડા જઈ રહ્યા હતા.

અધિકારીના જણાવ્યાં મુજબ તે રસ્તો ભૂલી ગયા અને કાર બહરાઈચ તરફ વળીને ડિવાઈડર સાથે ટકરાઈ. પોલીસને જ્યારે આ જાણ થઈ તો ઘટનાસ્થળે પહોંચી જોયું કે નશામાં ધૂત મહિલા પોતે જ ગાડી ચલાવવાની વાત કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓએ તેમને આમ કરવાની ના પાડી અને તેઓ પોતાની જાતને મંડળ સ્તરના વરિષ્ઠ અધિકારી ગણાવીને રૂઆબ છાંટવા લાગ્યા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલા અધિકારીની મેડિકલ તપાસમાં તેમણે દારૂ પીધો હોવાની પુષ્ટિ થઈ છે.

(5:40 pm IST)