Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

અમેરિકી કંપનીઓ પાસે રોકડ ફાજલ રકમ ૫.૮ ટ્રિલિયન ડોલરને પાર

અમેરિકાના અર્થતંત્રમાં દિવસેને દિવસે ઝડપી વૃદ્ધિ : જોકે અમેરિકી કંપનીઓની આ નીતિ રોકાણકારોને ખાસ કરીને લાંબાગાળાના રોકાણકારોને ચિંતિત કરે છે

નવી દિલ્હી, તા.૨ : જગત જમાદાર અમેરિકાનું અર્થતંત્ર દિવસેને દિવસે ઝડપી ગતિએ વધી રહ્યું છે. ચીન સાથેનું વેપાર યુદ્ધ હોય કે પછી રશિયા-યુક્રેન યુદ્ધ ફાયદો અમેરિકા અને અમેરિકન કંપનીઓને મોટાપાયે થઈ રહ્યો છે. અમેરિકન કંપનીઓની આવક, નફાકારકતા અને અન્ય તમામ માપદંડોમાં છેલ્લા કેટલાક એકાદ દાયકામાં ખૂબ જ ઝડપી સુધરતા જોવા મળી રહ્યાં છે. જોકે ટેક્નોલોજી શેરમાં કોરોનાકાળ બાદ આવેલ ઝડપી રિકવરી હવે મંદ પડી રહી છે પરંતુ અમેરિકન કંપનીઓ પાસે પડેલ રોકડ ફાજલ રકમનો આંકડો ચોંકાવનારો છે.

એક અહેવાલ અનુસાર અમેરિકાની ટોચની કંપનીઓ પાસે બેલેન્સશીટ પર રહેલ રોકડ રકમ આજે ૫.૮ ટ્રિલિયન ડોલરને પાર પહોંચી છે. તાજેતરના વર્ષોમાં જ આ રોકડ રકમનો ઉમેરો થઈ રહ્યો છે, બાકી તો અમેરિકન કંપનીઓ કારોબારના વિસ્તરથી લઈને હસ્તાંતરણ સહિતના અનેક માધ્યમો થકી આ પૈસાનો અઢળક ઉપયોગ કરતી હતી.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ૨૦૦૦માં અમેરિકન કંપનીઓ પાસે ૧.૬ ટ્રિલિયન ડોલરની રોકડ હાથવગી હતી જે હવે લગભગ ૫.૮ ટ્રિલિયન ડોલર થઈ છે. કંપનીઓ પાસે રોકડમાં આ વધારો નાટકીય રહ્યો છે. જોકે કંપનીઓની આ નીતિ રોકાણકારોને ખાસ કરીને લાંબાગાળાના રોકાણકારોને ચિંતિત કરે છે. તેમના મતે આ પૈસાનો ઉપયોગ પ્રોડક્ટિવ કામ એટલેકે જ્યાંથી આવક વધારી શકાય, આ પૈસાને વધારી શકાય તેવા ધંધામાં અથવા કારોબારના હસ્તાંતરણ માટે થવો જોઈએ અથવા તો ડિવિડન્ડના રૂપમાં રોકાણકારોને પરત કરવામાં આવે તે પસંદ કરશે પરંતુ લાંબાસમય સુધી આ રકમ રોકડપેટે હાથ પર રાખવી વ્યાજબી અને સલાહભરી નથી.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ૫.૮ લાખ કરોડ ડોલરમાંથી ૯૨% રકમ તો માત્ર ટોચની ત્રણ કંપનીઓ આલ્ફાબેટ એટલેકે ગૂગલ, એપલ એટલેકે આઈફોન બનાવતી કંપની અને સોફ્ટવેર,ચિપ માર્કેટની દિગ્ગજ માઈક્રોસોફ્ટ પાસે છે. સાંભળીને નવાઈ લાગશે પરંતુ અમેરિકાની કંપનીઓ પાસે આ ફાજલ પડી રહેલ ૫.૮ લાખ કરોડ ડોલરની રકમ ભારતના કુલ અર્થતંત્ર કરતા બમણી રકમ. હા સાચું સાંભળ્યું તમે ભારતની કુલ અર્થવ્યવસ્થા કરતા ડબલ રકમ માત્ર આ અમેરિકન કંપનીઓ પાસે રોકડ તરીકે બાજુમાં પડી રહી છે.

નિષ્ણાંતોના મતે સામાન્ય રીતે કંપનીઓ રોકડ હાથ પર રાખે તો તેની મુખ્ય બે યોજનાઓ હોય છે . એક કે મજબૂત વેલ્યુએશન અથવા બ્રેકઈવન પર પહોંચનારી કંપનીને હસ્તગત કરવા અથવા તો નબળી પડતી કંપનીને સસ્તા વેલ્યુએશન પર ખરીદીને તેને ફરી પાટે ચઢાવવા વેલ્યુએશન અને આવક બંને વધારવા કંપનીઓ મોટાપાયે હાથવગી રોકડ રાખીને બેઠી હોય છે. આ સિવાય બેલેન્સશીટ પર વધુ કેશ રાખવાનું બીજું કારણ હોઈ શકે છે ન્યૂનતમ ટેક્સ ભરવો. બીજા વિકલ્પના રસ્તે હાલ અમેરિકન કંપનીઓ ચાલી રહી છે તેમ નિષ્ણાંતોનું માનવું છે.

(8:11 pm IST)