Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે કુમાર વિશ્વાસની ધરપકડ પર રોક લગાવી

કેજરીવાલ પર ખાલિસ્તાન સાથે સબંધનો આરોપ લગાવ્યો હતો : કેસ દાખલ થયા બાદ કુમાર વિશ્વાસે કોર્ટમાં રૂપનગર પોલીસની એક્શન સામે અરજી દાખલ કરી હતી

ચંદીગઢ, તા.૨ : પંજાબ-હરિયાણા હાઈકોર્ટે કુમાર વિશ્વાસને રાહત આપી દીધી છે. હાઈકોર્ટે તેમની ધરપકડ પર વચગાળાની રોક લગાવાવનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, પંજાબના રોપડ ખાતે કુમાર વિશ્વાસ સામે કેસ દાખલ થયો હતો. કુમાર વિશ્વાસ પર આરોપ છે કે, તેમણે કેજરીવાલના ખાલિસ્તાન સાથે સંબંધ હોવાના ખોટા આરોપો લગાવ્યા હતા.

કેસ દાખલ થયા બાદ કુમાર વિશ્વાસે કોર્ટમાં રૂપનગર પોલીસની એક્શન સામે અરજી દાખલ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમના વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલો કેસ રાજકારણથી પ્રેરિત છે.

ઉલ્લેખનીય છે કે, કુમાર વિશ્વાસ વિરૂદ્ધ કલમ ૧૫૩, ૧૫૩એ, ૫૦૫, ૫૦૫ (૨), ૧૧૬ ઉપરાંત કલમ ૧૪૩, ૧૪૭, ૩૨૩ (હુમલો), ૩૪૧, ૧૨૦-બી (ગુનાહીત ષડયંત્ર) અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કુમાર વિશ્વાસ ઉપરાંત કોંગ્રેસી નેતા અલકા લાંબા વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. લાંબા પર વિશ્વાસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનું સમર્થન કરવાનો આરોપ લાગ્યો છે.

 

(8:14 pm IST)