Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

બાબરી ધ્વંશમાં શિવસેનાના કોઈ નેતા હાજર ન હતા : ફડણવીસ

રાજકારણમાં ફરી બાબરી વિવાદિત માળખાનો પડઘો : ૧૪ મે બાદ ઉદ્ધવ ઠાકરેને લઈને મોટો ખુલાસો કરવાનો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો દાવો

મુંબઈ, તા.૨ : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત અયોધ્યા બાબરી મસ્જિદના વિવાદિત માળખાનો પડઘો સંભળાઈ રહ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની ગઠબંધન સરકારના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધીને કહ્યું કે, આજે જે લોકો મસ્જિદો પરથી લાઉડસ્પીકર ઉતારવાથી ડરી રહ્યા છે તેઓ કહેતા હતા કે, બાબરી મસ્જિદ વિધ્વંસમાં અમે સાથે હતા. તેમણે કહ્યું કે, આ લોકો ડરી ગયા છે. તેમણે એ પણ કહ્યું કે, જે સમયે વિવાદિત ઢાંચાને તોડવામાં આવ્યું તે સમયે ત્યાં શિવસેનાના કોઈ પણ નેતા હાજર નહોતા. ફડણવીસે કહ્યું કે, ૧૪ મે બાદ ઉદ્ધવ ઠાકરેને લઈને મોટો ખુલાસો કરવામાં આવશે.

સોમૈયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત બૂસ્ટર ડોઝ રેલીને સંબોધિત કરતી વખતે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આ વિવાદિત ઠાંચાને મસ્જિદ નથી માનતા તે માત્ર એક ઢાંચો છે. ફડણવીસે કહ્યું કે, કેટલાક લોકો એવું માને છે કે, તેમનું અપમાન કરવું એ આખા રાજ્યનું અપમાન છે. પરંતુ સત્ય એ છે કે, તે કેટલાક લોકો રાજ્ય નથી પરંતુ અહીંના ૧૨ કરોડ લોકો રાજ્ય છે. તેમણે એટલે સુધી કહ્યું કે, લોકો તેમને હિન્દુ પણ નથી માનતા. જોકે, તેઓ આ વાતને ન કહી શકે.

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને નવાબ મલિકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેઓ જેલમાં છે. આ અગાઉ તેઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હતા અને હવે તેઓ વર્ક ફ્રોમ જેલ કરી રહ્યા છે. ફડણવીસે કહ્યું કે,  શિવસેનાની કાર્યપ્રણાલી પર સવાલો છે. તેમના બે નેતાઓ જેલમાં છે જે ખૂબ જ શરમજનક વાત છે.

તેમણે એ પણ કહ્યું કે, ૧૪ મે બાદ તેઓ રાજ્ય સરકારના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને લઈને ખુલાસો કરશે. પૂર્વ સીએમએ કહ્યું કે, હાલના સમયમાં જે પત્રકારો રાજ્ય સરકારની વિરુદ્ધમાં લખવાનો પ્રયત્ન કરે છે તેમના ઉપર હુમલો કરવામાં આવે છે.

તેમણે રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો કે, સરકાર બાર માલિકો અને બિલ્ડરોના હિત માટે કામ કરે છે. આ સરકાર પ્રો આલ્કોહોલ છે. આ સરકાર બાર ખોલવાની મંજૂરી આપે છે. એટલા માટે તેઓ વિદેશી શરાબની કિમંતમાં ઘટાડો કરે છે.

(8:16 pm IST)