Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

પટિયાલા હિંસા કેસના આરોપી શિવસેનાના નેતા હરીશ સિંગલા અને શંકર ભારદ્વાજને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલયા

પટિયાલા હિંસાનો આરોપી હરીશ સિંગલા પર પરવાનગી વિના રેલી કાઢવાનો અને સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો આરોપ

નવી દિલ્હી :  પટિયાલા હિંસા કેસના આરોપી શિવસેનાના નેતા હરીશ સિંગલા અને શંકર ભારદ્વાજને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે જ અન્ય આરોપી ગગ્ગી પંડિતના 2 દિવસની પોલીસ રિમાન્ડ મળી છે. 30 એપ્રિલે પટિયાલા કોર્ટે સિંગલાને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા હતો. રિમાન્ડ પૂરા થતાં આજે ફરી આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સિંગલાની શુક્રવારે ખાલિસ્તાન વિરોધી કૂચનું નેતૃત્વ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

તેના પર પરવાનગી વગર રેલી કાઢવાનો અને સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો આરોપ છે. ગયા અઠવાડિયે પટિયાલામાં હિન્દુ અને શીખ જૂથો વચ્ચે અથડામણ થયા બાદ સિંગલાને શિવસેનાના પંજાબ કાર્યકારી અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ અથડામણ પટિયાલામાં કાલી માતા મંદિરની બહાર થઈ હતી. સિંગલાને સમર્થન આપતા જૂથે આર્ય સમાજ ચોકથી “ખાલિસ્તાન મુર્દાબાદ” કૂચ શરૂ કરી હતી. જે બાદ કેટલાક શીખ કાર્યકર્તાઓ પણ એકઠા થઈ ગયા અને મંદિર તરફ જવા લાગ્યા. તેમાંથી કેટલાકે તલવારો પણ ચલાવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ન તો શીખ કે હિન્દુ સંગઠનના કૂચને મંજૂરી આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મંદિર પાસે બંને પક્ષો સામસામે આવી ગયા અને એકબીજા સાથે અથડામણ કરી અને પથ્થરમારો શરૂ કર્યો. હરીશ સિંગલાએ તેની સ્પષ્ટતામાં શુક્રવારે કહ્યું હતું કે ખાલિસ્તાની સંગઠન “શીખ ફોર જસ્ટિસ”ના 29 એપ્રિલના રોજ પ્રસ્તાવિત “ખાલિસ્તાન સ્થાપના દિવસ”ના વિરોધમાં સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. હકીકતમાં પ્રતિબંધિત જૂથ શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત પન્નુએ 29 એપ્રિલે ખાલિસ્તાનનો સ્થાપના દિવસ મનાવવાની જાહેરાત કરી હતી.

તે જ સમયે પોલીસે પંજાબના પટિયાલામાં અથડામણના મુખ્ય આરોપી બરજિંદર સિંહ પરવાના સહિત છ લોકોની પણ ધરપકડ કરી છે. હિંસાની આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં અત્યાર સુધીમાં કુલ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી બરજિંદર સિંહ પરવાના (38 વર્ષ)ની મોહાલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી પરવાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી તેને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે પરવાના આ ઘટનાના મુખ્ય કાવતરાખોરોમાંની એક છે. તેમના પર શીખ કટ્ટરપંથીઓને કાલી માતા મંદિર તરફ જવા માટે ઉશ્કેરવાનો આરોપ છે.

 

(10:48 pm IST)