Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ફરી બદલાશે કર્ણાટકના મુખ્યમંત્રી? ગૃહમંત્રી અમિતભાઇ શાહની મુલાકાતને પગલે બોમ્મઈને લઈ અટકળોને વેગ

પાર્ટી મહાસચિવના નિવેદન બાદ એવી ખબર સામે આવી કે બોમ્મઈ દ્વારા બીએસ યેદિયુરપ્પાની જગ્યા લેવાના એક વર્ષથી પણ ઓછા સમયમાં કર્ણાટકમાં વધુ એક પરિવર્તનની સંભાવના

કર્ણાટકના રાજકારણમાં એકવાર ફરીથી અફવાએ જોર પકડ્યુ છે. અમિતભાઈ શાહના પ્રવાસને લઈને એ અફવા છે કે રાજ્યમાં ભાજપ તરફથી નેતૃત્વ પરિવર્તન કરવામાં આવી શકે છે. બસવરાજ બોમ્મઈને 9 મહિના પહેલા જ રાજ્યની કમાન સોંપવામાં આવી હતી. જોકે ચર્ચા એવી પણ છે કે બોમ્મઈ કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ થઈ શકે છે.

પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષે જણાવ્યુ હતુ કે દિલ્હી અને ગુજરાતની જેમ પાર્ટી નેતૃત્વ મોટા પાયે પરિવર્તન કરવાની ક્ષમતા રાખે છે. જોકે સાથે જ તેમણે કહ્યુ હતુ કે હુ એ નથી કહી રહ્યો કે આ દરેક જગ્યાએ થશે પરંતુ ભાજપ આવા નિર્ણય લેવામાં સક્ષમ છે જેની કલ્પના અન્ય રાજકીય દળ દ્વારા કરી શકાય તેમ નથી.

પાર્ટીમાં વિશ્વાસ અને ઈચ્છાશક્તિના કારણે એ નિર્ણય સંભવ થઈ શકે છે અને ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી બદલાયા તો સમગ્ર મંત્રીમંડળ પણ બદલાઈ ગયુ હતુ. આ તાજગી આપવાના ઈરાદાથી કરવામાં આવ્યો હતો, ના કોઈ ફરિયાદના કારણે. ભાજપ નેતાએ કહ્યુ હતુ કે રાજકારણમાં પરિવર્તન સંભવ છે. તેમણે કહ્યુ હતુ કે બીજી વાર સત્તામાં આવવુ કોઈ સરળ કામ નથી. જે અહીં હાજર છે, તે બીજીવાર ચૂંટણી જીતવાના પડકારને જાણે છે. સત્તા વિરોધી લહેર ઘણી મજબૂત થઈ જાય છે.

પાર્ટી મહાસચિવના નિવેદન બાદ એવી ખબર સામે આવી કે બોમ્મઈ દ્વારા બીએસ યેદિયુરપ્પાની જગ્યા લેવાના એક વર્ષથી પણ ઓછા સમયમાં કર્ણાટકમાં વધુ એક પરિવર્તનની સંભાવના છે. જોકે સમગ્ર મામલે સીએમ બોમ્મઈ તરફથી કોઈ નિવેદન સામે આવ્યુ નથી. જાણકારી અનુસાર તે પોતાના મંત્રીમંડળમાં પરિવર્તનની તૈયારી કરી રહ્યા છે

(12:45 am IST)