Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

કોવિડ ૧૯ની બીજી લહેરની અસર

મે મહિનામાં તમામ કાર કંપનીઓનું વેંચાણ ઘટ્યું

નવી દિલ્હી, તા.૨: દેશભરમાં વિવિધ સ્થળોએ કોરોના પ્રેરિત લોકડાઉનને કારણે વાહનોનાં વેચાણને ભારે ફટકો પડયો છે. મારુતિ સુઝુકી, મહિન્દ્રા અને તાતા મોટર્સ સહિતની અગ્રણી કંપનીઓએ મે મહિનામાં વાહનોનું વેચાણ ઘટયું હોવાનું જાહેર કર્યું છે.

દેશની સૌથી મોટી ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી મે મહિનામાં ૪૬,૫૫૫ કાર વેચી શકી હતી, જે એપ્રિલ (૧૫૯,૬૯૧)ની સરખામણીમાં ૭૧ ટકાનો દ્યટાડો દર્શાવે છે. મારૂતિનો પ્લાન્ટ ૧ મેથી ૧૬ મે સુધી બંધ રાખવામાં આવ્યો હતો જેથી ઔદ્યોગિક ઉપયોગ માટેના ઓકિસજનના પુરવઠાને તબીબી ઉપયોગ તરફ વાળી શકાય. મે મહિનામાં મારુતિની નિકાસ ૩૫ ટકા દ્યટીને ૧૧,૨૬૨ કાર થઈ હતી.

તાતા મોટર્સનું સ્થાનિક વેચાણ ૩૮ ટકા દ્યટીને ૨૪,૫૫૨ વાહનોનું થયું હતું. એપ્રિલમાં તેણે ૩૯,૫૩૦ વાહનો વેચ્યાં હતાં. પેસેન્જર વાહનોનાં વેચાણમાં ૪૦ ટકાનો અને વ્યાપારી વાહનોના વેચાણમાં ૩૫ ટકાનો દ્યટાડો થયો હતો.

દરમિયાન બજાજ ઓટોનું વેચાણ વર્ષાનુવર્ષ ૧૧૪ ટકા વધીને ૨૭૧,૮૬૨ વાહન થયું હતું. મે ૨૦૨૦માં તેનું વેચાણ ૧૨૭,૧૨૮ વાહનોનું હતું. સ્થાનિક વેચાણ મે ૨૦૨૦ના ૪૦,૦૭૪ વાહનથી બાવન ટકા વધીને ૬૦,૮૩૦ થયું હતું, જયારે નિકાસ મે ૨૦૨૦ના ૮૭,૦૫૪ વાહનથી ૧૧૪ ટકા ઉછળીને ૨,૧૧,૦૩૨ વાહન થઈ હતી. બજાજ ઓટોના ટુ-વ્હીલરનું વેચાણ ૧૧૨,૭૯૮થી ૧૧૩ ટકા વધીને ૨૪૦,૫૫૪ થયું હતું.

ટોયોટા કિર્લોસ્કરે મે મહિનામાં ૭૦૭ વાહનો વેચ્યાં હતાં. ગયા વર્ષના મે મહિનામાં તેનું વેચાણ ૧૬૩૯ વાહનોનું અને આ વર્ષના એપ્રિલમાં ૯૬૨૨ વાહનોનું હતું. ટોયોટાનો બિડાડી (કર્ણાટક) પ્લાન્ટ ૨૬ એપ્રિલથી ૧૪ મે સુધી મેઇન્ટેનન્સ માટે બંધ રહ્યો હતો.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેચાણ મે મહિનામાં એપ્રિલની તુલનામાં બાવન ટકા દ્યટીને ૧૭,૪૪૭ વાહન થયું હતું. માર્ચ મહિનામાં તેણે ડીલરોને ૩૬,૩૪૭ વાહનો રવાના કર્યાં હતાં.

મહિન્દ્રાનું પેસેન્જર વાહનોનું વેચાણ એપ્રિલ ૨૦૨૧ના ૧૮,૨૮૫ વાહનથી ૫૬ ટકા ઘટીને ૮૦૦૪ વાહનોનું થયું હતું, જયારે વ્યાપારી વાહનોનું વેચાણ ૧૬,૧૪૩થી ૫૩ ટકા દ્યટીને ૭૫૦૮ વાહનો થયું હતું. એમજી મોટર ઇન્ડિયા મે મહિનામાં ૧૦૧૬ વાહન વેચી શકી હતી. મે મહિનામાં મોટા ભાગની બજારોમાં કડક લોકડાઉન હોવાથી છૂટક વેચાણને ભારે અસર થઈ હતી એમ કંપનીએ જણાવ્યું હતું. ગયા વર્ષના મે મહિનામાં તેનું વેચાણ ૭૧૦ વાહનોનું હતું.

હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાનું વેચાણ એપ્રિલ ૨૦૨૧ના ૫૯,૨૦૩ વાહનોથી ૪૮ ટકા ઘટીને મે મહિનામાં ૩૦,૭૦૩ વાહન થયું હતું. તેનું સ્થાનિક વેચાણ ૪૯,૦૦૨ વાહનથી ઘટીને ૨૫૦૦૧ વાહન થયું હતું, જયારે નિકાસ ૧૦,૨૦૧ વાહનથી ૪૪ ટકાના ઘટાડે ૫૭૦૨ વાહન થઈ હતી.

(10:41 am IST)