Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ઇઝરાયેલમાં ચાલતા રાજકીય ઘમાસાણ વચ્ચે નફતાલી બેનેટ આગામી પ્રધાનમંત્રી બની શકે

બેનેટે લાંબા સમય સુધી નેતન્યાહૂ સાથે કામ કર્યું છે અને તેઓ ખુદને નેતન્યાહૂ કરતાં વધુ દક્ષિણપંથી ગણાવી ચૂક્યાં છે : જાણો બેનેટની રાજકીય સફર

તેલ અવિવ: ઈઝરાયલમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે નફતાલી બેનેટ ત્યાંના આગામી પ્રધાનમંત્રી બની શકે છે. જો આવું થયું, તો તેઓ ઈઝરાયલના સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહેનારા બેન્જામિન નેતન્યાહૂનું સ્થાન લેશે. બેનેટે લાંબા સમય સુધી નેતન્યાહૂ સાથે કામ કર્યું છે અને તેઓ ખુદને નેતન્યાહૂ કરતાં વધુ દક્ષિણપંથી ગણાવી ચૂક્યાં છે.

49 વર્ષના બેનેટ  રાજકારણમાં આવ્યા પહેલા એક ટેક એન્ટરપ્રેન્યોર રહી ચૂક્યાં છે. એક પૂર્વ સ્પેશિયલ ફોર્સ કમાન્ડો, બેનેટ અમેરિકામાં જન્મેલા માતા-પિતાના પુત્ર છે. હાલ બેનેટ પોતાની પત્ની અને 4 બાળકો સાથે ઈઝરાયલના રાનાનામાં રહે છે.

ફેબ્રુઆરીમાં બેનેટે ટાઈમ્સ ઑફ ઈઝરાયલને કહ્યું હતું કે, હું બીબી (નેતન્યાહૂ)ની સરખામણીમાં વધારે દક્ષિણપંથી છું. જો કે બુ રાજનીતિક દ્રષ્ટિથી ખુદનું કદ વધારવા માટે એક ટૂલ તરીકે નફરત કે ધ્રવીકરણનો ઉપયોગ નથી કરતો. બેનેટને અર્થ વ્યવસ્થા પ્રત્યે ઉદાર માનવામાં આવે છે અને તેઓ ઈરાન વિરુદ્ધ આક્રામક વલણ માટે જાણીતા છે.

નફતાલી બેનેટ અનેક વખત વિવાદિત નિવેદનો આપી ચૂક્યાં છે. 2013માં તેમણે કહ્યું હતું કે, ફિલિસ્તીની આતંકવાદીઓને મારી નાંખવા જોઈએ, તેમને મુક્ત ના કરવા જોઈએ. એક વખત તેમણે એવું કહીને વિવાદ ઉભો કર્યો હતો કે, વૅસ્ટ બેંક કબજામાં નથી, કારણ કે અહીં ક્યારેય પણ ફિલિસ્તીની સ્ટેટ નહતો. તેઓ એવું પણ કહી ચૂક્યાં છે કે, ફિલિસ્તીન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષનું કોઈ સમાધાન નથી, માત્ર તેને સહન કરવું જોઈએ.

બેનેટે 2005માં પોતાના ટેક સ્ટાર્ટઅપને 145 મિલિયન ડૉલરમાં વેચ્યા બાદ રાજનીતિમાં પગ મૂક્યો હતો. જેના બીજા વર્ષે જ તેઓ નેતન્યાહૂના ચીફ ઑફ સ્ટાફ બના ગયા, જે તે સમયે વિપક્ષમાં હતા.

બેનેટે 2006 થી 2008ની વચ્ચે નેતન્યાહૂ માટે વરિષ્ઠ સહયોગી તરીકે કામ કર્યું. જો કે નેતન્યાહૂ સાથે સબંધો બગડ્યા બાદ તેમણે નેતન્યાહૂની લિકૂડ પાર્ટી છોડી દીધી હતી. નેતન્યાહૂનો સાથ છોડ્યા બાદ બેનેટ 2010માં યેશા કાઉન્સિલના અધ્યક્ષ બન્યા. જે કબજાવાળા વેસ્ટ બેંકમાં યહૂદીઓના વસવાટ માટે લૉબી કરે છે.

2012માં બેનેટ કટ્ટર દક્ષિણ પંથી જ્યૂઈશ હોમ પાર્ટીની કમાન સંભાળી, જે તે સમયે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. જે બાદ બેનેટે નેતન્યાહૂની સરકારમાં રક્ષા મંત્રી, શિક્ષણ મંત્રી અને અર્થ વ્યવસ્થાના મંત્રી તરીકે પણ કામ કર્યું.

આ દરમિયાન 2018માં બેનેટ જ્યૂઈસ હોમ પાર્ટીની યામિના પાર્ટી તરીકે રિબ્રાન્ડિંગ કરી ચૂક્યા હતા. નેતન્યાહૂ સરકારની બહાર આવ્યા બાદ બેનેટે 2020માં કોરોના મહામારીના કહેર વચ્ચે સ્વાસ્થ્ય સંકટ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે પોતાના દક્ષિણપંથી નિવેદનો આપવાનું ઓછું કરી નાંખ્યું હતું.

નફતાલી નવેમ્બરમાં આર્મી રેડિયોમાં કહ્યું હતું કે, આગામી વર્ષોમાં અમે રાજકારણ અને ફિલિસ્તીની સ્ટેટ જેવા મુદ્દાઓને અલગ રાખવા પડશે અને કોરોના વાઈરસની મહામારી પર કાબૂ મેળવવા અને અર્થ વ્યવસ્થાને સુધારવા તેમજ આંતરિક ડખ્ખા દૂર કરવા પર ધ્યાન આપવું પડશે.

 

PM નેતન્યાહૂના વીરોધી તેમના 12 વર્ષના શાસનનો અંત લાવવા માટે એક ગઠબંધન સરકારની રચના કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ માટે તેમની પાસે બુધવાર રાત સુધીનો સમય છે. જો કે વિપક્ષી નેતાઓનું કહેવું છે કે, તેઓ ગઠબંધન બનાવવાની નજીક છે.

નેતન્યાહૂને સત્તા પરથી હટાવવા માટે મધ્યમાર્ગી વિચારધારા ધરાવતી યેશ અતીદ પાર્ટીના પ્રમુખ યેર લાપિદ, નફતાલી બેનેટ સહિત અન્ય વિપક્ષી નેતાઓ ગઠબંધનને આખરી ઓપ આપવા મથી રહ્યાં છે.

પ્રસ્તાવિત સમજૂતિ અંતર્ગત બેનેટ) અને લાપિદ વારાફરથી પ્રધાનમંત્રી બનશે. જેમાં પ્રથમ વખત બેનેટ સત્તાની ધૂરા સંભાળશે. સમય સમાપ્ત થયા પહેલા વિપક્ષને રાષ્ટ્રપતિને આ સૂચના આપવી પડશે કે, તેમની પાસે 120 સભ્યોની સેનેટમાં બહુમતી માટે જરૂરી 61 સભ્યોનું સમર્થન છે. જે બાદ તેમને વિશ્વાસ મત મેળવવાનો રહેશે.

જો વિપક્ષ આજે મોડી રાતના સમય સુધી રાષ્ટ્રપતિને પોતાની સફળતા અંગે સૂચિત નહીં કરી શકે, તો દેશમાં બે વર્ષની અંદર પાંચમી વખત ચૂંટણી યોજવાની ફરજ પડશે. એવામાં નેતન્યાહૂને પ્રધાનમંત્રી પદ પર બન્યા રહેવા માટે વધુ એક તક મળી જશે.

(12:14 am IST)