Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

એજબેસ્ટોન ટેસ્ટમાં પહેલા દિવસની રમતનાં અંતે ભારતનો 7 / 338 રન : રિષભ પંતની સદી: જાડેજા 83 રને અણનમ

98 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ પંત અને જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે કરી 180+ રનની ભાગીદારી

એજબેસ્ટોન ટેસ્ટમાં પહેલા દિવસની રમતનાં અંતે ભારતનો સ્કોર 7 વિકેટે 338 થયો છે. વરસાદ બાદ પ્રથમ દિવસને અંતે 73 ઓવર્સની રમત શક્ય બની હતી જેમાં ભારતને નબળી શરૂઆત બાદ  રિષભ પંતની સદી અને જાડેજાની શાનદાર અર્ધી સદી જોવા મળી હતી. 

ઋષભ પંતની શાનદાર સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટોન ટેસ્ટમાં શાનદાર ફાઇટ બેક કર્યું છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 98 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી પંત અને જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 200 થી વધારે રનની ભાગીદારી કરી હતી. ત્રીજા સેશનમાં ભારતનો સ્કોર 280/5 હતો. 

પંતે 89 બોલમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. આ તેની કારકિર્દીની 5મી ટેસ્ટ સદી છે. તેણે આ ફોર્મેટમાં ઈંગ્લેન્ડ સામે તેની ત્રીજી સદી ફટકારી છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ કારકિર્દીની 18મી અડધી સદી ફટકારી હતી.

આ પહેલા ભારતના ટોપ ઓર્ડરના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ઓપનર શુભમન ગિલ 17 અને ચેતેશ્વર પૂજારાએ 13 રન બનાવી જેમ્સ એન્ડરસનને વિકેટ આપી હતી. હનુમા વિહારી 20, વિરાટ કોહલી 11 અને શ્રેયસ અય્યર 15 રન બનાવીને આઉટ થયા હતા.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ચાલુ જ રહ્યું છે. ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં વિરાટના બેટથી 19 બોલમાં માત્ર 11 રન જ આવ્યા હતા. તેને મેથ્યુ પોટ્સે બોલ્ડ કર્યો હતો. વિરાટ ઓફ સ્ટમ્પની બહાર જતા બોલને છોડવા માંગતો હતો, પરંતુ બોલ બેટની કિનારી લઈને સ્ટમ્પસ સાથે અથડાઈ ગયો હતો.  ચાહકો હજુ પણ કોહલીની 71મી સદીની રાહ જોઈ રહ્યા છે. વિરાટની છેલ્લી સદી 23 નવેમ્બર 2019ના રોજ ફટકારી હતી.

(11:52 pm IST)