Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

દિલ્‍હીથી જબલપુર જતી સ્‍પાઇસ જેટના વિમાનની કેબીનમાંથી ધુમાડો નીકળતા પાયલોટે ઇમરજન્‍સી લેન્‍ડીંગ કરાવ્‍યુઃ વીડિયો વાયરલ

5 હજાર ફુટની ઉંચાઇએ ઉડતી વખતે 185 મુસાફરો ગભરાયા

નવી દિલ્‍હીઃ દિલ્હી એરપોર્ટ પર સ્પાઇસ જેટના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ છે. દિલ્હીથી જબલપુર માટે ઉડાન ભરવા દરમિયાન વિમાનના કેબિનામાંથી ધૂમાડો નીકળતા પાયલોટે ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યુ હતુ.

દિલ્હી-જબલપુર સ્પાઇસજેટ વિમાનને શનિવાર સવારે દિલ્હી એરપોર્ટ પર તે સમયે લેન્ડિંગ કરવી પડી જ્યારે કેબિન ક્રૂએ વિમાનની અંદર ધૂમાડો જોયો હતો, વિમાન 5000 ફૂટની ઉંચાઇ પર ઉડી રહ્યુ હતુ. સ્પાઇસજેટના પ્રવક્તાએ કહ્યુ કે તમામ મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યા છે. એક વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે કેબિનમાં ધૂમાડો ઘુસતા મુસાફર અખબાર અને એરલાઇન બુકલેટથી ખુદને હવા આપતા જોવા મળી રહ્યા છે.

એક મુસાફર સૌરભ છાબડાએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. સાથે તેમાં લખ્યુ કે આજે સવારે ઘટનાનો સામનો કરવો પડ્યો. એવુ લાગે છે કે સ્પાઇસજેટ યાત્રા માટે હવે અસુરક્ષિત છે. એક વખત તો મુસાફર ગભરાઇ ગયા હતા પણ પરત દિલ્હી ઉતરી ગયા છે. વિમાનમાં આગ લાગી ગઇ હતી.

મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયમાં સ્પાઇસજેટના વિમાનમાં સતત આવી ઘટનાઓ જોવા મળી રહી છે જેને કારણે મુસાફરોની સુરક્ષા પર સવાલ ઉભા થઇ રહ્યા છે. 19 જૂને પટણા એરપોર્ટ પર દિલ્હી માટે ઉડાન ભરનારા સ્પાઇસ જેટના વિમાનમાં અચાનક આગ લાગી હતી. તે સમયે વિમાનમાં 185 મુસાફર સવાર હતા.

(5:32 pm IST)